ગુજરાતનો પોતીકો તહેવાર એટલે ઉત્તરાયણ! આ વર્ષનો એવો સમય છે કે જયારે ઉત્સવની ઉજવણી હવામાં થાય છે અને તેની મજા દરેક હૃદયને સ્પર્શે છે ગુજરાતમાં તો અત્યારથી જ બાળકો અને કેટલાક મોટેરાઓ એ છાપરા શોધીને પતંગ ઉડાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે તમામ ખુશી અને ઉજવણીની વચ્ચે એક અદ્રશ્ય ખતરો હંમેશા અવગણવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ ઉત્સવના માહોલમાં બદલાવની શરૂઆત કરી છે. દરવર્ષે આપણે ઉત્તરાયણ દરમિયાન પોતાની કે બીજાની ભૂલના લીધે અનેક અકસ્માત અને ગંભીર ઈજાઓ વિષે વાંચતા આવ્યા છે. કાચના માંજા વડે પતંગ ચગાવતા માત્ર મનુષ્ય નહિ પરંતુ મૂંગા પક્ષીઓ પણ ગંભીર રીતે ઘવાય છે અથવા મોતને ભેટે છે ત્યારે આ અંગે જાગૃતિ લાવવા માટે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ મીઠાખળી ગામમાં રેલી કાઢી હતી જેમાં વિદ્યાર્થીઓ એ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પોસ્ટર્સ ઉપરાંત પક્ષીઓની વેશભૂષા પણ ધારણ કરી હતી.