Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોગ્યલક્ષી સારવાર ૮૬ ના ઇન્ડેક્ષ સ્કોર સાથે ગુજરાત આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ ક્રમે

આરોગ્યલક્ષી સારવાર ૮૬ ના ઇન્ડેક્ષ સ્કોર સાથે ગુજરાત આરોગ્ય સેવામાં દેશમાં પ્રથમ ક્રમે
, શુક્રવાર, 4 જૂન 2021 (20:43 IST)
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત નીતિ આયોગે પણ નોંધ લઇને ગુજરાતની આરોગ્ય સેવાઓને ૮૬ ના ઇન્ડેક્ષના સૂચકાંક (માર્ક્સ) સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આપ્યો છે. જે ગુજરાત માટે ગૌરવની વાત છે.   
 
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી એસ.ડી.જી. સંબંધિત ઈન્ડેક્ષની શ્રેણી ચલાવવામાં આવી રહી છે, જેમાં નીતિ આયોગ દ્વારા એસ.ડી.જી.ની પ્રાથમિકતાઓ ધ્યાને લઈ “ઇન્ડિયા ઇન્ડેક્ષ અને ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે થયેલ પ્રગતિની દેખરેખ હેઠળ આરોગ્ય માટેની વિવિધ સરકારી યોજનાઓ, જેવી કે આયુષ્માન ભારત, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનનું સુચારૂ અમલીકરણ તથા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની સાથે સાથે રાજ્યો દ્વારા કરેલ નવીન પહેલ અને તેની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. 
 
તેમણે ઉમેર્યુ કે, હાલ પ્રકાશિત થયેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસ.ડી.જી.) - નીતિ આયોગ – ઈન્ડેક્ષવર્ષ ૨૦૨૦-૨૧ માં આરોગ્ય સંબંધિત એસ.ડી.જી.૦૩ માં ગુજરાત ૮૬ સ્કોર સાથે તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે. સમગ્ર દેશમાં અને રાજ્યમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનાં માપદંડ માટે એસ.ડી.જી.૦૩ અંર્તગત દસ સૂચકાંકોની પસંદગી કરવામાં આવે છે. 
 
જે અંતર્ગત માતા મૃત્યુનું પ્રમાણ, પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં મૃત્યુદર, રસીકરણ કવરેજ, ટ્યુબરક્યુલોકસીસ (ક્ષય રોગ), એચ.આઈ.વી., આત્મહત્યાનું પ્રમાણ,રોડ ટ્રાફીક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ, સંસ્થાકિય પ્રસુતિનું પ્રમાણ, આરોગ્ય પર માસિક માથાદીઠ આઉટ ઓફ પોકેટ ખર્ચ તથા દર ૧૦,૦૦૦ની વસ્તીએ ઉપલબ્ધ ચિકિત્સક, નર્સ અને મિડવાઇફના ક્ષેત્રોમાં કરેલી કામગીરીનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત સરકારે કરેલી અસરકારક કામગીરીના પરિણામે ગુજરાતની પસંદગી થઇ છે. 
 
નીતિ આયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સુચકાંકો નિયત કરાયા હતાં તે સંદર્ભે ગુજરાતે કરેલ કામગીરીની વિગતો આપતાં તેમણે કહ્યું કે, એક લાખ બાળકો જન્મે તેની સામે સમગ્ર ભારતમાં ૧૧૩ માતાના મરણ નોંધાય છે જેની સામે ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ અને સમયસરના અસરકારક પગલાને કારણે માતા મૃત્યુદરમાં ઘટાડો થઇ ૭૫ માતાઓનું મરણ થાય છે. 
 
તેવી જ રીતે પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુદર ભારતના ૩૬ બાળકોની સામે ગુજરાતમાં ૩૧ છે. ૧ લાખની વસ્તીએ ટી.બી. રોગના દર્દીઓને શોધી સમગ્ર દેશમાં ૧૭૭ ને સારવાર અપાય છે તેની સામે ગુજરાતમાં ૨૩૨ ને સારવાર આપવામાં આવે છે. ચેપ વગરના ૧૦૦૦ ની વસ્તીએ દેશમાં અને ગુજરાતમાં એચ.આઇ.વી. નું પ્રમાણ ૦.૦૫ છે. એક લાખની વસ્તીએ રોડ ટ્રાફીક અકસ્માતમાં દેશમાં ૧૧.૫ ના મૃત્યુ થાય છે. 
 
જેની સામે ગુજરાતમાં તમામ વિભાગની અસરકારક કામગીરીને કારણે અકસ્માતથી મૃત્યુનું પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો ૧૦.૮ છે. સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ દેશભરમાં ૯૪.૪ ટકા છે જેની સામે ગુજરાતમાં ૯૯.૫ ટકા સંસ્થાકિય પ્રસુતિ થકી માતા અને બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે એ જ રીતે ઉપરોક્ત આરોગ્યની તમામ સેવાઓ આપવા માટે દર ૧૦,૦૦૦ ની વસ્તીએ ઉપલબ્ધ તબીબી અધિકારી, સ્ટાફનર્સ અને મીડવાઇફ સમગ્ર દેશમાં ૩૭ છે જ્યારે ગુજરાતમાં ૪૧ છે.  
 
તેમણે ઉમેર્યુ કે, ઈન્ડેક્ષ વર્ષ ૨૦૨૦-૨૧ માં એસ.ડી.જી.૦૩ માટે આરોગ્ય ઇન્ડેક્ષનો સ્કોર રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૫૯ થી ૮૬ ની વચ્ચે છે, જેમાં રાજ્યોની કેટેગરીમાં  ગુજરાત પ્રથમ ક્રમે છે. પાંચ વર્ષથી પ્રકાશિત થતા ઈન્ડેક્ષમાં રાજ્યનો હેલ્થ ઈન્ડેક્ષ સ્કોર અને વિવિધ રાજ્યોમાં ગુજરાતનો ક્ર્મ ઉત્તરોત્તર વધીને નંબર-૧ પર આવ્યો છે. 
 
સર્વાંગી વિકાસ માટે સારું સ્વાસ્થ્ય આવશ્યક ચાવીરૂપ છે આથી વિવિધ આર્થિક અને સામાજિક અસમાનતાઓ, ઝડપી શહેરીકરણ, પર્યાવરણ - આબોહવા માટે જોખમોને ધ્યાને લઈ, ગંભીર તથા નવા રોગો, માનસિક આરોગ્યની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેથી ગુણવત્તાસભર આવશ્યક આરોગ્ય સેવાઓની પહોંચ વધારી, સલામત અને અસરકારક સેવાઓ થકી સાર્વત્રિક આરોગ્ય સેવાઓ પુરી પાડી શકાય. 
 
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસો અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની કોરોના મહામારીમાં પણ બજાવેલ ઉત્કૃષ્ટ કામગીરીને પરિણામે આ શક્ય બન્યું છે. જે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને ગૌરવ અપાવે તેવું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આગામી ૨૭ જુને યોજાશે