Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત પોલીસે છેલ્લા ચાર વર્ષમાં ઇન્ટરપોલની મદદથી ચાર વોન્ટેડ ગુનેગારોને વિદેશમાંથી પકડ્યા

surat police
, શનિવાર, 15 ઑક્ટોબર 2022 (10:33 IST)
આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી ભારતમાં યોજાશે
 
નવી દિલ્હીમાં CBI યજમાની કરશે, ઇન્ટરપોલના 195 સભ્ય દેશોના પ્રતિનિધિ સામેલ થશે
 
ઇન્ટરપોલની મદદથી આવનારા સમયમાં વધુ ગુનેગારોને પકડવામાં સરળતા થશે
 
195 સભ્ય દેશો ધરાવતી વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા ઇન્ટરપોલની ચાર દિવસીય 90મી જનરલ એસેમ્બલી, 18 થી 21 ઓક્ટોબર, 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે. 1949માં ભારત ઇન્ટરપોલમાં જોડાયું હતું અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી સમયે આ કાર્યક્રમની યજમાની ભારતને મળી એ ગૌરવપૂર્ણ બાબત છે. ચાર દિવસ સુધી વિશ્વભરનું પોલીસ નેતૃત્વ ભારતમાં હશે. ભારત સહિત 195 સભ્ય દેશોના પોલીસ પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થશે તેવું અનુમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નિરંતર પ્રયત્નોથી આ બેઠકની યજમાની ભારતને મળી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અત્યારે પોલીસ જેવી રીતે ડ્રગ્સ સહિત ભારે ગુનાઓ સામે લાલ આંખ કરીને આગળ વધી રહી છે, ત્યારે ઇન્ટરપોલની મદદથી, વિદેશોમાં છૂપાઇ ગયેલા ગુનેગારોને પણ શોધવામાં મોટી સફળતાઓ મળી છે. 
 
ઇન્ટરપોલની મદદથી મર્ડરના આરોપી જયેશ પટેલની લંડનથી ધરપકડ
ગુજરાત પોલીસે પણ, વિદેશમાં નાસી જતા મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે ઇન્ટરપોલની મદદ લીધી છે અને અત્યાર સુધી ચાર ગુનેગારોને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ કેસ જામનગરમાં એડવોકેટ કિરીટ જોશી હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપી જયેશ પટેલનો છે. તત્કાલિન જામનગર એસપી અને વર્તમાન ગુજરાત એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રેનના જણાવ્યા અનુસાર ઇન્ટરપોલ માટે ભારતની નોડલ એજન્સી સીબીઆઇ મારફતે જયેશ પટેલ સામેના આધારભૂત પુરાવા ઇન્ટરપોલ મારફતે યુકેસીએ (યુકેની નોડલ એજન્સી)ને રજૂ કરવામાં આવ્યા હતા. તેના આધારે લંડનમાં આરોપી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેના પ્રત્યાર્પણ માટે, વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અહીં તે પોર્તુગીઝ નાગરિકની ઓળખ બનાવીને રહેતો હતો. તે સિવાય, વર્ષ 2019થી અત્યાર સુધી, અન્ય ત્રણ મહત્વપૂર્ણ કિસ્સાઓમાં ગુજરાત પોલીસે ઇન્ટરપોલની સહાયતાથી ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.   તેમાં આરોપી ધવલ માવાણી (2019), ઝિંગ ફેંગ ઝી ઉર્ફે રિચર્ડ (2021) અને મુકેશકુમાર વૃન્દાવનદાસ શાહ (2022) સાથે સંકળાયેલા કેસ સામેલ છે. 
 
આગામી દિવસોમાં વધુ ગુનેગારો પર સકંજો કસવામાં આવશે
“આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારો સુધી પહોંચવા માટે, ઇન્ટરપોલ સાથે સક્રિયપણે કોર્ડિનેશન ચાલી રહ્યું છે. ગુજરાત પોલીસને તેમાં ચાર આરોપીઓને અત્યાર સુધી લોકેટ કરવામાં સફળતા મળી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને નાગરિક હિત અનુસાર જાળવવા માટે અમે આવનારા સમયમાં હજુ વધુ ગુનેગારો સામે કાર્યવાહી કરીશું. ઇન્ટરપોલના સહયોગના લીધે, તેમાં નોંધપાત્ર સહાયતા મળી રહી છે. ”
- દીપેન ભદ્રેન, ડીઆઇજી, એટીએસ-ગુજરાત
 
194 દેશો સાથે ભારતીય એજન્સીઓની પહોંચ
ઇન્ટરપોલની મદદથી , ભારતની કેન્દ્રીય તેમજ રાજ્યની સુરક્ષા એજન્સીઓની 194 દેશની સુરક્ષા એજન્સીઓ સુધીની પહોંચ બની છે. ઇન્ટરપોલ ગ્લોબલ કમ્યુનિકેશન સિસ્ટમની મદદથી આ સેતુ બંધાયો છે, જેની મદદથી પોલીસ ગુનેગારોની શોધખોળ અને તપાસમાં સહાયતા મેળવી શકે છે. ભારતે ઇન્ટરપોલને પૂરતો સહયોગ આપ્યો છે અને સંસ્થાના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે. 
 
જનરલ એસેમ્બલીનો એજન્ડા
દર વર્ષે એક વખત ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી યોજાય છે. રોટેશનના આધારે, દરેક સભ્ય દેશ આ બેઠકની યજમાની કરે છે. ભારતને 25 વર્ષ બાદ આ બેઠકની યજમાનીનો મોકો મળ્યો છે. ભારત તરફથી, ઇન્ટરપોલ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરતી સીબીઆઇ આ એસેમ્બલીની યજમાની કરશે. જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોની જરૂરિયાતો પર ધ્યાન આપવામાં આવે છે. તે સિવાય એસેમ્બલીમાં એક્ઝીક્યૂટિવ કમિટીના સભ્યોની પસંદગી પણ કરવામાં આવે છે, જેઓ એસેમ્બલીના સત્રની વચ્ચે માર્ગદર્શન આપે છે. ઠરાવ તરીકે એસેમ્બલીમાં નિર્ણયો કરવામાં આવે છે. દરેક સભ્ય દેશ પાસે એક મત હોય છે. આ વર્ષે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં, સાયબર અને પ્રોફેશનલ ગુનાઓ તેમજ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ સહિતના વિષયો પર ચર્ચા થશે. તે સિવાય સભ્ય દેશો વચ્ચે ક્રાઇમનો ડેટા અને તેને નિયંત્રિત કરવા માટેના ઉપાયો અને તેમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીનું આદાનપ્રદાન થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2022: આ વખતે દિવાળી ઘરની બહાર મનાવવી છે તો આ સ્થળોએ તમને બમણો ઉત્સાહ જોવા મળશે