માળીયા હાટીનાથી 12થી15 કિમી દુર માંડ 1800ની વસ્તી ધરાવતા નાનકડા એવા પીખોર ગામમાંથી 45 જેટલા યુવાનો આર્મીમાં ફરજ બજાવતા દેશસેવા કરી રહ્યા છે. નાનકડા ગામમાંથી આટલી મોટી સંખ્યામાં આર્મીમાં ફરજ બજાવતા યુવાનો માટે ગામ લોકો ગર્વ લે છે. પીખોર ગામમાંથી 45 જેટલા યુવાનો આર્મીમાં જોડાયેલા છે તે પૈકી સૌથી વધારે મયા દરબાર સમાજના યુવાનો છે. ગામમાંથી મયા દરબાર સમાજના 25, દલિત સમાજમાંથી 10, રબારી સમાજમાંથી 4, બાવાજીના 2, પાટીદાર સમાજના 1, વાણંદ જ્ઞાતિના 1 અને કુંભાર જ્ઞાતિના 2 સહિત કુલ 45 નવ યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. તો 20 જેટલા તો આર્મીમાંથી ફરજ બજાવી નિવૃત થઇ ચુક્યા છે. તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પ્રવીણસિંહ બાબરીયા અને બાવાજી સમાજના મહિલા આગેવાન કંચનબેન દેવમુરારી જણાવે છે કે અમારા ગામમાં ઘરે ઘરેથી એક એક યુવાનને મા ભોમની રક્ષા કાજે તૈયાર કરવામાં આવે છે. આગામી પાંચ વર્ષમાં 50 યુવાનોને આર્મીમાં મોકલવાના છે. ગામના અમુક એક જ પરિવારના એક કરતા વધુ સભ્યો આર્મીમાં ફરજ બજાવે છે. હરિકૃષ્ણ માધવરાય દેવમુરારી જણાવે છેકે મારો મોટો પુત્ર મહેશકુમાર છેલ્લા 15 વર્ષથી યુપીના ગોરખપુરમાં ફરજ બજાવે છે. તે દર વર્ષે એક વખત ગામમાં આવે છે. અમારા ગામના નવયુવાનોએ પીખોર ગામનું નામ ગુંજતુ કર્યુ છે.