Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન: હવે PNG કનેક્શન હશે તો LPG બાટલો જમા કરાવવો પડશે, હોટલ-રેસ્ટોરન્ટના ગેસ ક્વોટામાં મોટો કાપ

Gujarat LPG distribution rules 2026
ગુજરાત સરકારે રાજ્યમાં ગેસ અને કેરોસીનના પુરવઠાને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું વપરાશના LPG સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી તેની કોઈ અછત સર્જાશે નહીં. જોકે, સરકારે કોમર્શિયલ ગેસના વપરાશ પર કાપ મૂક્યો છે અને વિતરણ વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કેરોસીનનો નવો જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે.
 

કોમર્શિયલ ગેસ વિતરણ માટેની નવી કેટેગરી

 
સરકારના નવા આદેશ મુજબ હવે માત્ર એવા વિસ્તારોમાં જ કોમર્શિયલ સિલિન્ડર આપવામાં આવશે જ્યાં હજુ સુધી પાઈપલાઈન (PNG) સુવિધા પહોંચી નથી. આ વિતરણ વ્યવસ્થામાં પ્રાથમિકતાના આધારે ફાળવણી નક્કી કરવામાં આવી છે, જેમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની સંપૂર્ણ જરૂરિયાત મુજબ 100% જથ્થો પૂરો પાડવામાં આવશે. જ્યારે ફાર્મા કંપનીઓ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ યુનિટ્સ અને રેલવે કે એરલાઇન કેન્ટીનોને તેમની જરૂરિયાતના 70% ગેસની ફાળવણી કરવામાં આવશે. જોકે, હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ માટે કાપ મૂકવામાં આવ્યો છે, તેમને તેમના છેલ્લા 6 મહિનાના સરેરાશ વપરાશના આધારે માત્ર 10% જથ્થો જ મળવાપાત્ર રહેશે.
 

PNG કનેક્શન હોય તો LPG સિલિન્ડર જમા કરાવવો પડશે

 
નવી ગાઈડલાઈનનો સૌથી મહત્વનો નિયમ એ છે કે, જે ગ્રાહકોના ઘરે પાઈપલાઈનવાળું PNG કનેક્શન કાર્યરત છે, તેમણે પોતાનું જૂનું LPG સિલિન્ડર કનેક્શન ફરજિયાતપણે એજન્સીમાં જમા (Surrender) કરાવવું પડશે. હવેથી કોઈ પણ ગ્રાહક PNG અને LPG બંને કનેક્શન એકસાથે રાખી શકશે નહીં. આ નિયમનો અમલ કરવા માટે તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
 

કેરોસીન વિતરણ અને કડક મોનિટરિંગ
 

કેન્દ્ર સરકારે ગુજરાત માટે 1452 કિલો લીટર કેરોસીન ફાળવ્યું છે, જે જરૂરિયાતમંદ પરિવારોને 5 લીટરની મર્યાદામાં આપવામાં આવશે. વિતરણમાં પારદર્શિતા જાળવવા માટે મહેસૂલ અને પોલીસ વિભાગની ટીમો સતત સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ સેંકડો સ્થળોએ તપાસ કરવામાં આવી છે. જો કોઈ ગ્રાહકને ફરિયાદ હોય, તો તેઓ સરકારના ટોલ-ફ્રી નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન