ગુજરાત હાઈકોર્ટે આજે એક ચુકાદામાં કહ્યું કે વડાપ્રધાન કાર્યાલયે વડાપ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથી. આટલું જ નહીં હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીને તુચ્છ અને ભ્રામક ગણાવતા 25000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.સીએમ કેજરીવાલને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આ દંડની રકમ જમા કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતના સીઆઈસીએ આદેશ જારી કરી પીએમઓના જન સૂચના અધિકારી(પીઆઈઓ) અને ગુજરાત યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીના પીઆઈઓને પીએમ મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. હવે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવની સિંગલ બેન્ચે સીઆઈસીના એ આદેશને રદ કરી દીધો છે.