સરકાર ભલે તેની સિદ્ધિઓના ગુણગાન ગાતી હોય પણ રાજયમાં બેકારીનું ચિત્ર એવું તો વરવું છે કે ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ-4ની પ્યુન અને બેલીફની જગ્યા માટે 7 ડોકટરો, 450 એન્જિનિયરો અને 543 ગ્રેજયુએટે નોકરી સ્વીકારી હતી. આ અંગેની વિગત એવી છે કે ગુજરાત હાઈકોર્ટમાં વર્ગ-4ની પટાવાળા અને બેલીફની જગ્યા માટે બીડીએસ અને બીએચએમએસની તબીબની ડિગ્રી ધરાવનારા 19 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી 7 ઉમેદવારોને તબીબનું ભણ્યા બાદ અને લાખોનો ખર્ચ કર્યા બાદ પ્યુનની નોકરી સ્વીકારવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત માસ્ટર્સ ઈન લો, માસ્ટર્સ ઈન કોમર્સ, મોસ્ટર્સ ઈન સાયન્સ થયેલા 5446 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં બેરોજગારીનો વધારો થઈ રહ્યાનું આ પરિણામ બતાવે છે. તાજેતરમાં હાઈકોર્ટે અને તેની સબ ઓર્ડીનન્ટ કોર્ટમાં વર્ગ-4 માટે પ્યુન પાણી આપવાના સેવક બેલીફની ખાલી પડેલી 1149 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામો જાહેર થયા છે. 1149 ખાલી જગ્યા માટે 1,59,278 અરજીઓ આવી હતી. 30 હજાર માસિક પગાર માટે 19 તબીબોએ અરજી કરી હતી. જેમાંથી 7 તબીબોએ પ્યુનની નોકરી સ્વીકારી હતી. હાઈકોર્ટના જજ બનવા માટે એલએલમની ડિગ્રી માન્ય ગણાય છે. આવી ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ પ્યુન બનવા સહમતી દર્શાવી હતી. પ્યુન, બેલીફ બનવા સેંકડો ટેકનિકલ ગ્રેજયુએટ, બી.ટેક, બી.ઈ. ડિગ્રી ધારક ઈજનેરોએ પણ અરજી કરી હતી.