Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભિક્ષુકોને રક્તપિત્ત સારવાર માટેનું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વ સંમત્તિથી પસાર

ભિક્ષુકોને રક્તપિત્ત સારવાર માટેનું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વ સંમત્તિથી પસાર
, ગુરુવાર, 4 જુલાઈ 2019 (00:11 IST)
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે રક્તપિત્તના ચેપવાળા ભિક્ષુકો માટે ‘ચેપ ફેલાવે તેવી રક્તપિત્તવાળી’શબ્દો દૂર કરી અન્ય ભિક્ષુકોની સાથે જ સારવાર મળે તેવું સુધારા વિધેયક આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું. ગુજરાત ભિક્ષા પ્રતિબંધક (સુધારા વિધેયક) રજૂ કરતાં ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, અગાઉ રક્તપિત્તથી પીડીત ભિક્ષુકોને અલગ રક્તપિત્તની હોસ્પિટલોમાં સારવાર અપાતી હતી. પરંતુ હવેથી આ સુધારા વિધેયકથી રક્તપિત્તના ચેપવાળા ભિક્ષુકોને ભિક્ષુક ગૃહમાં જ અન્ય ભિક્ષુકો સાથે તમામ સારવાર પુરી પાડવામાં આવશે.
 
આ સુધારા વિધેયક સંદર્ભે વધુ માહિતી આપતા ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, ભિક્ષુકગૃહમાં પ્રવેશ પામેલ અંતેવાસી જો રક્તપિત્ત રોગથી અસરગ્રસ્ત હોય તો ભિક્ષુક ગૃહ સંસ્થાના અન્ય અંતેવાસીઓને રક્તપિત્ત રોગનો ચેપ ન લાગે તેથી રક્તપિત્ત રોગથી અસરગ્રસ્ત અંતેવાસીને રક્તપિત્તીયા આશ્રમમાં મોકલી આપી ત્યાં તેની સારવાર કરવાની જોગવાઇ છે. પરંતુ હવે રક્તપિત્ત રોગથી અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે MDT(મલ્ટી ડ્રગ થેરાપી) દવા શોધાઇ હોવાથી તેને MDTનો પ્રથમ ડોઝ આપવાથી રક્તપિત્તનો દર્દી સંપૂર્ણપણે બિનચેપી થઇ જાય છે. 
આથી તે સંસ્થાના અન્ય અંતેવાસીઓ માટે જોખમી રહેતો નથી અને તેની સંસ્થામાં જ રાખી રક્તપિત્તની સારવાર થઇ શકે છે. આથી, રક્તપિત્ત રોગનો વર્તમાન સમયમાં બિનચેપી તથા સંપૂર્ણ ઉપચાર થઇ શકતો હોઇ, કેન્દ્ર તથા રાજ્યના કાયદાઓમાંથી વિવાદિત કલમો નાબૂદ કરવા કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ. આ સંદર્ભે નામ.સુપ્રિમકોર્ટના રક્તપિત્તિયા માટેની વિવાદીત કલમો કાયદામાંથી દૂર કરવાનાં સૂચનો હેઠળ આદેશ અનુસાર મુંબઇ ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ મુજબ રક્તપિત્ત અસરગ્રસ્ત અંતેવાસીઓને સંસ્થાના અન્ય અંતેવાસીઓથી અલગ કરવાની વિવાદિત જોગવાઇઓમાં સુધારો આ વિધેયકથી કરવામાં આવ્યો છે.
 
 
ઇશ્વરભાઇ પરમારે કહ્યું હતું કે, ભિક્ષુકગૃહ અને સ્વીકાર કેન્દ્રોમાં અંતેવાસીઓને સાત્વિક જમવાનું તેઓના સ્વાસ્થ્યયને ધ્યાને રાખીને આપવામાં આવે છે. સાથોસાથ ભિક્ષુકોને સ્વાલંબન કરવા સુથારીકામ, વણાટકામ, ઇલેક્ટ્રીક હાથ વણાટની તાલિમ આપવામાં આવે છે અને અંતેવાસીને કુશળતા પ્રાપ્ત થયા બાદ ઉત્પાદન કાર્યમાં પણ જોડવામાં આવે છે. ભિક્ષુકોની સંભાળની સાથે વૈદકિયા સારવાર માટે જરૂરી  ડોકટર, નર્સ અને દવાની પણ ઉચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ભિક્ષુકોને માત્ર પકડીને જેલ જેવી સજા આપવાને બદલે તેમના જીવનમાં સુધારણા આવે, ભિક્ષુક પ્રવૃત્તિમાંથી  બહાર આવે અને જે ભિક્ષુકોના કોઇ નજીકના સગાવાહલા છે તેમને બોલાવીને જે તે ભિક્ષુકની સજા પુરી થયા બાદ તેમના સગાવાહલાને સોંપી દેવામાં આવે છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 
 
આ અંગે વધુ વિગતો આપતા કહ્યુ હતુ કે ભિક્ષુક ગૃહોમાં ભિક્ષુકોને લાવવા માટે આ ભિક્ષુકગૃહોના અધિક્ષકશ્રીઓ દ્રારા સ્થાનિક પોલીસનો સહયોગ મેળવીને ભિખ માગતા ભિક્ષુકોને રાઉન્ડ અપ કરી શહેરમાંથી રખડતા, ભટકતા ભીખ માંગતા ભિક્ષુકોને ભીખ માંગતા પકડી તેમની પ્રાથમિક તપાસ કરી નામ.મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. નામ.કોર્ટ આ ભિક્ષુકોની સ્થિતિ અને પકડનાર અધિકારીઓના બયાનની વિગતો ધ્યાને લઇ આ ભિક્ષુકોને સજાના ભાગરૂપે કેટલા દિવસ આ ભિક્ષુક ગૃહમાં રાખવા તેનો નિર્ણય કરી તેની સજાના હુકમો કરવામાં આવે છે. ત્યારબાદ આ ભિક્ષુકોને જે તે ભિક્ષુક ગૃહમાં મોકલી આપવામાં આવે  છે. વિધાનસભા ગૃહમાં આ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઐતિહાસિક રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરની મુલાકાત લઇ કર્યા દર્શન, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ