Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નીતિન પટેલને તાત્કાલિક બેડ કેવી રીતે મળી ગયો? સોશિયલ મીડિયા પર લોકોના તીખા સવાલ

નીતિન પટેલને તાત્કાલિક બેડ કેવી રીતે મળી ગયો? સોશિયલ મીડિયા પર લોકોના તીખા સવાલ
, શનિવાર, 24 એપ્રિલ 2021 (23:16 IST)
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાત જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે ગુજરાતના સામાન્ય લોકો લાંબી લાંબી કતારોમાં હૉસ્પિટલમાં દાખલ થવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્ય મંત્રીને તાત્કાલિક અસરથી પથારી કેવી રીતે મળી ગઈ?
 
નોંધનીય છે કે રાજ્યમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ, ઓક્સિજન અને પ્રાણરક્ષક દવાઓના જથ્થાની ભારે અછત હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળી છે. જેના કારણે ઘણા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો સતત સ્થાનિક મીડિયામાં આવી રહ્યા છે.
 
આવી પરિસ્થિતિમાં જ્યારે નીતિન પટેલનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવતાંની સાથે જ તેમને તાત્કાલિક અસરથી રાજ્યની સરકારી હૉસ્પિટલમાં બેડની સુવિધા મળી ગઈ છે ત્યારે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
 
અહીં એ વાત પણ નોંધવી ઘટે કે સોશિયલ મીડિયા પર ઘણા સોશિયલ મીડિયા યુઝરો નીતિન પટેલને જલદી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જોકે, સરકારી વ્યવસ્થાથી નારાજ પ્રજાજનો તેમના પ્રશંસકો અને શુભેચ્છકોનો પણ સોશિયલ મીડિયા પર ઉધડો લઈ રહ્યા છે.
 
કોરોનાની પરિસ્થિતિ ગંભીર બનવાને કારણે રાજ્યમાં લોકો કેટલી હદે લાચાર બની ગયા છે તેનું ઉદાહરણ ટ્વિટર પર એક યુઝરની પોસ્ટ પરથી આવે છે.
 
પૂજન કે. પટેલ નામના એક ટ્વિટર યુઝર બે દિવસથી ટ્વીટ મારફતે પોતાના કોરોનાગ્રસ્ત પિતા માટે બેડની વ્યવસ્થા કરવાની વિનંતી કરી રહ્યા હતા.
 
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, "આભાર નીતિન પટેલ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી. તમારા આયોજનના કારણે મેં મારા પિતાને ગુમાવ્યા. મેં ઘણી વખત 108 પર ફોન કર્યો પણ તેઓ ન આવ્યા. મારા પિતાનું ઓક્સિજન લેવલ 30 થઈ ગયું હતું. હું કાંઈ કરી શકું એમ નથી. મારે મારા પિતાને મારી આંખો સામે મરતા જોવા પડી રહ્યા છે. તમે બધા આના માટે જવાબદાર છો. તમારા નિર્ણયોના કારણે મારા પિતાને મેં ગુમાવ્યા. હું ભાજપનો સમર્થક છું. પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે તમે બધા બિનકાર્યક્ષમ છો."
 
નોંધનીય છે કે નીતિન પટેલ સતત રાજ્યની કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે તેઓ અનેક શહેરો અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠકો પણ કરી રહ્યા હતા.
 
જે કારણે હવે તેમણે ટ્વીટ કરીને તેમના સંપર્કમાં આવેલા તમામને કાળજી રાખવા અને સેલ્ફ આઇસોલેશનમાં જવાની સલાહ આપી હતી.
 
'લોકો માટે બેડ નથી તો નીતિન પટેલ માટે ક્યાંથી બેડ આવ્યો?'
 
નીતિન પટેલને તાત્કાલિક સારવાર સામે સોશિયલ મીડિયામાં લોકોના સવાલો
 
વિભૂતી દવે નામનાં એક ટ્વિટર યુઝરે એક સમાચાર સંસ્થાના અહેવાલ નીચે રિપ્લાય આપતાં લખ્યું કે, "જ્યારે ઘણા લોકોને પથારી નથી મળી રહી તેવા સમયે નીતિન પટેલને આટલી સરળતાથી હૉસ્પિટલમાં પથારી કેવી રીતે મળી ગઈ?"
 
આવી જ રીતે રાજ મંડપવાલા નામના એક ટ્વિટર યુઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, "નીતિન પટેલ સાહેબને બેડ મળી ગયો. જલદી સાજા થાવ એવી કામના."
 
બીબીસી ગુજરાતીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ ઘણા લોકો રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને સરળતાથી બેડ મળી ગયાની ઘટના અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
 
ગિલ્લી2611 નામના એક યુઝરે પોસ્ટમાં કૉમેન્ટ કરતાં લખ્યું છે કે, "આમને 108 વગર કેવી રીતે દાખલ કરી લેવાયા. સુધરી જાઓ મોદી ભક્તો."
 
ધ નેમ ઇઝ જિગર નામના એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર બીબીસી ગુજરાતીની પોસ્ટ પર કૉમેન્ટ કરતાં લખ્યું હતું કે, "આમને 108 વગર જ દાખલ કરી લેવાયા? મારા એક સંબંધીને 108માં ન આવવાને કારણે હૉસ્પિટલે દાખલ ન કર્યા અને ત્યાં 24 કલાકનું વેઇટિંગ બતાવે છે."
 
સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે વિરોધ
 
Eoin-009નામના એક યુઝરે આ પોસ્ટ પર સરકારની બેવડી નીતિઓ પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, "તો નીતિનભાઈને ડાઇરેક્ટ દાખલ કરાયા કે તેમણે પણ 108વાળો પ્રોટોકોલ અનુસરવો પડેલો?"
 
નોંધનીય છે કે ગુજરાતનાં ખ્યાતનામ પત્રકાર દીપલ ત્રિવેદીએ પણ 23 એપ્રિલના રોજ સરકારી હૉસ્પિટલોમાં 108માં ન આવ્યા હોય તેવા દર્દીઓને દાખલ ન કરવાની વાત પર વાંધો વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી.
 
તેમણે લખ્યું હતું કે, "આ છોકરાને અમદાવાદસ્થિત શારદાબેન હૉસ્પિટલમાં માત્ર એટલા માટે દાખલ ન કરાયો કારણ કે તેઓ 108માં નહોતા આવ્યા. 108ને રાજ્યમાં દર્દી સુધી પહોંચવામાં 11 કલાક સુધીનો સમય લાગી શકે છે. શું આ યોગ્ય છે. આ નિયમ બદલાવો જોઈએ."
 
આ ટ્વીટ વાંચીને દરેક સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિના મનમાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું નીતિન પટેલે 108 માટે રાહ જોઈ હશે? શું તેઓ 108 મારફતે હૉસ્પિટલમાં પહોંચ્યા? શું તેમને પણ 108 મારફતે હૉસ્પિટલ ન પહોંચવાના કારણે દાખલ ન કરાયા હોત?
 
'ઇમર્જન્સીમાં બેડ મળી ગયો!'
 
નીતિન પટેલને તાત્કાલિક સારવાર કેવી રીતે મળી, સોશિયલ મીડિયા પર લોકોના સવાલ
 
ચિરાગ કાતબા24 નામના એક યુઝરે બીબીસી ગુજરાતીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૉમેન્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ઇમર્જન્સીમાં બેડ મળી ગયો. ગુજરાતની જનતાને બે દિવસે મળે છે. ઓક્સિજન પણ મળી ગયો. એ પણ ગુજરાતની જનતાને બે દિવસે મળે છે. રાજકોટમાં ચાર દર્દી ઓક્સિજનની અછતના કારણે ગુજરી ગયા, વાહ બકવાસ સરકાર વાહ."
 
ચિંતન વધાડિયા નામના એક યુઝરે લખ્યું કટાક્ષમાં લખ્યું હતું કે, "બેડ અવેલેબલ થઈ ગયા લાગે છે. વીવીઆઇપી ખરા ને..."
 
નીતિન પટેલને વીઆઇપી ટ્રીટમેન્ટ સામે લોકોના સવાલ
 
આ સિવાય અન્ય એક યુઝર prj-nik નામના એક યુઝરે લખ્યું હતું કે, "આમને અને આમના જેવા મોટા નેતાઓને તરત ઓક્સિજન, સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ મળી ગઈ... જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગ આજે રસ્તા પર તડપી તડપીને મરી રહ્યો છે..."
 
હાર્ટશૂટર149 નામના એક યુઝરે આ પોસ્ટ પર કૉમેન્ટ કરતાં સરકાર પર કટાક્ષ કર્યો હતો અને લખ્યું હતું કે, "લોકો માટે હૉસ્પિટલોમાં જગ્યા નેથી અને નેતા માટે તરત જગ્યા થઈ જાય છે."
 
આ પોસ્ટોમાંથી મોટા ભાગની પોસ્ટો ભલે કટાક્ષમાં કે મજાકીયા અંદાજ સાથે કરાયેલી હોય તેવો ભાવ વ્યક્ત કરે છે, પરંતુ આ તમામ પ્રતિક્રિયાઓ રાજ્યમાં કોરોનાના કારણે સામાન્ય જનતાના મનમાં ઊઠી રહેલા સવાલોને જરૂર પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં ચાલી રહેલી સરકારી નીતિઓ અને નિયમો શું માત્ર સામાન્ય જનતા માટે જ છે તેવા પ્રશ્નો જરૂર ઊભા કરી રહી છે.
 
આ સાથે જ લોકોનાં મનમાં એવા પણ પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે કે શું રાજ્યની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં રાજનેતાઓ માટે અને વીઆઇપી હસ્તીઓ માટે સ્પેશિયલ અનામત પથારી જાળવી રાખવામાં આવી છે કે કેમ? જો હા તો આ વ્યવસ્થા બંધારણીય દૃષ્ટિએ યોગ્ય છે કે કેમ?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના કહેર યથાવત: 14 હજાર વધુ નવા કેસ, સતત ઘટી રહ્યો છે રિકવરી રેટ