રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થી, વાલીઓ અને સંચાલકોને મૂંઝવતો પ્રશ્ન છે પરિણામ અને પ્રવેશનો. આગળ અભ્યાસ માટે કેવી રીતે પરિણામ મળશે અને કેવી રીતે પ્રવેશ મળશે તે પ્રશ્ન સૌ કોઇને સતાવી રહ્યો છે. ત્યારે ધોરણ 10ના પરિણામ માટે સરકાર દ્વારા અલગ અલગ વિભાગના 12 લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. જે કમિટી દ્વારા પરિણામ અંગે નિર્ણય લેવામાં આવશે અને આગામી એક સપ્તાહમાં પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. આ અંગે ત્રણ ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ ભરાડ સ્કૂલના સંચાલક અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડનો પણ ધોરણ 10ની પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જતીન ભરાડે જણાવ્યું હતું કે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ ક્યાં આધારે તૈયાર કરવા તે માટે 12 લોકોની કમિટી તૈયાર કરવામાં આવી છે. જેમા 2થી 3 જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલકમાંથી તેઓની પોતાની મળી કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં વિદ્યાર્થીઓને પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ત્રણ ફોર્મ્યુલાના આધારે પરિણામ તૈયાર કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છેલ્લા 3 વર્ષના પરિણામની સરેરાશ કાઢી પરિણામ આપવું. બીજી ફોર્મ્યુલા એ કે એકમ કસોટી મુજબ પરિણામ આપવું કે કેમ એ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. તેમજ ધોરણ 9માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એકમ કસોટીમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. માટે પરિણામ કયા આધારે તૈયાર કરવા તે અંગે ચોક્કસ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.