6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચી ગયા હતા. મોટાભાગની દરેક મહાનગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યાં છે.
પરંતુ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ અને AIMIM એન્ટ્રી બાદ મતદારો મિજાજ થોડો બદલાયેલો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. મનપાની ચૂંટણીમાં આપની અસર જોવા મળી રહી છે. ગુજરાતની જનતાને પહેલીવાર ત્રીજા પક્ષની હાજરી મળતા લોકોએ પોતાનુ વલણ બદલ્યું છે. તો બીજી તરફ જામનગરમાં પણ બસપા એટલે કે બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો જીતી છે. બસપાએ અહી ભાજપના ગઢમાં ગાબડુ પાડ્યું છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપે 3-3 વોર્ડમાં જીત મેળવી છે જ્યારે સુરતમાં કોંગ્રેસનો સફાયો થયો છે.
સુરત મહાનગર પાલિકાના તાજેતરના આંકડા મુજબ, ભાજપે 40 બેઠકો પર બઢત મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી 18 બેઠકો પર આગળ છે. તો આ તરફ કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઇ જતાં 10 બેઠકો પર આગળ છે.આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 16 ની ચારેય બેઠકો અને વોર્ડ નંબર 4 ની ચાર બેઠકો જીતી લીધી છે. પુણા વિસ્તારમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હતા પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાયું નથી. મતગણતરી પૂરી થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે.