Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અતિભારે વરસાદના કારણે આગોતરા વાવેતરને મોટુ નુકસાન ખેડૂતોમાં વધતી ચિંતા

અતિભારે વરસાદના કારણે આગોતરા વાવેતરને મોટુ નુકસાન ખેડૂતોમાં વધતી ચિંતા
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (12:10 IST)
'ગુલાબ' ચક્રવાતની અસરના કારણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવે 'શાહીન' નામના વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. આવનારા ત્રણ દિવસ હજુ ગુજરાત ઉપર ભારે છે ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. ગુજરાતમાં આ વખતે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મહત્વનો પાક મગફળી અને કપાસ છે.

સમયસર વરસાદ ના થયો તો કપાસ અને મગફળીના પાકને અસર થઇ અને હવે વધુ વરસાદ થયો છે તો ખેડૂતોને વધુ પડતું નુકસાન થયું છે.કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં વાવેતરની બે પેટર્ન છે. એક, મે મહિનાના એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં આગોતરું વાવેતર કરવું. આ વાવેતર 30 થી 35 ટકા જેટલું હોય છે. બીજું, સીઝનનું વાવેતર થાય છે. એટલે ચોમાસાની શરૂઆતમાં એક સારો વરસાદ વરસી જાય પછી વાવેતર થાય. હાલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગોતરા વાવેતરને ખરાબ અસર થઇ છે. કારણ કે આ પાક લગભગ તૈયાર થઇ જવામાં હોય. જયારે સીઝનમાં થયેલા વાવેતરમાં એટલું નુકસાન ના થાય એટલા માટે કે હજુ એ સરખા પાક્યા ના હોય. છતાં સૌરાષ્ટ્ર-ગુજરાતનું કપાસ અને મગફળીનું નુકસાનીનું ચિત્ર જોઈએ તો અતિભારે વરસાદના કારણે મગફળીમાં 20 ટકા અને કપાસમાં 30 ટકા નુકસાનીનો અંદાજ છે.ગુજરાતભરમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, પણ આ બંને પાકનું 80 ટકા વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વાવેતર 19 લાખ હેક્ટરમાં થયું છે જયારે કપાસનું વાવેતર 23 લાખ હેક્ટરમાં થયું છે.

સામાન્ય રીતે કપાસમાં જીવાત અને ઈયળ થવાનો ભય રહે છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સમયસર વરસાદ ના થયો એટલે કપાસ અને મગફળી મુરઝાવાની તૈયારીમાં હતા પણ પછી સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી જતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું હતું.કપાસમાં આગોતરા માલનું નિકંદન નીકળી ગયું છે. આગોતરા કપાસ હવે પાણી સુકાય એટલે કાપી નાંખવા પડે તેમ છે, કારણ કે જીંડવા વરસાદને લીધે ખરી ગયા છે અને છોડ ઉભા છે તે સૂકાવા લાગ્યા છે. એ જોતા આગોતરા માલમાં 30-35 ટકા જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ગોંડલ તાલુકાના લીલાખા ગામના અગ્રણી ખેડૂત તેમના અભ્યાસ પ્રમાણે કહે છે, આગોતરા માલમાં નુકસાની મોટી છે. ખેડૂતો પાસે હવે કાપીને તરત શિયાળુ પાકો લેવા સિવાયનો વિકલ્પ રહ્યો નથી. પાછોતરાં વાવેતરમાં બહુ સમસ્યા નથી પણ હવે વરસાદ પડે તો તેમાંય જીંડવા ખરી જશે. કપાસ-રૂના ઉત્પાદનનાં અંદાજો આ વખતે અનિશ્ચિત રહે તેમ છે. જોકે મોડેથી કરેલા વાવેતરમાં કોઈ સમસ્યા નહીં હોવાનું પણ ખેડૂતો કહે છે. મગફળીમાં પણ નુકસાની થઈ રહી છે. આગોતરી 20 અને 29 નંબરની મગફળી પાકી ગઈ છે. તે હવે ઉપાડવાનો સમય છે પણ વરસાદને લીધે ઉપાડી શકાઈ નથી. જો હજુ ઉપાડી ન શકાય તો ઉગી જવાનું જોખમ વધારે છે. 24, 37 અને 39 નંબરની મગફળીમાં ઠેકઠેકાણે ઉગાવો શરૂ થઈ ગયો છે. જેમણે કાઢી નાખી છે એમના પાથરા પલળી ગયા છે. ઉગેલી મગફળી ગોગડી થઈ જાય છે અને એના નહીં જેવા ભાવ આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bus Accident in Meghalaya: મેઘાલયમાં ભીષણ દુર્ઘટના, 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી, અત્યાર સુધી 6 મુસાફરો માર્યા જવાના સમાચાર