ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનું નિવેદનઃ રોગચાળો નિમિત્ત માત્ર છે બાકી જીવન મરણ કુદરતના હાથમાં
રાજકોટમાં આજે રોગચાળાના મુદ્દે આરોગ્ય કમિશનર જયંતિ રવિની સાથે સાથે સિવિલ હૉસ્પિટલમાં હાઇપાવર કમિટીની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પૂર્વ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે બેજવાબદારીભર્યુ નિવેદન કર્યુ છે. ગઈકાલે રાજકોટમાં તાવના કારણે એક બાળકનું મોત થયું હતું. આ મોત રોગચાળા કારણે થયું છે ત્યારે તંત્ર શું પગલાં ભરી રહ્યું છે એવો સવાલ પૂછતાં ગોવિંદ પટેલે કહ્યું હતું કે રોગચાળો તો માત્ર નિમિત્ત માત્ર છે બાકી જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે. “અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. મારા અનુભવે આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હૉસ્પિટલમાં ખામીઓ જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે.