ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસનો લેટર બતાવી બધાને ઘૂમરાવે ચઢાવી દીધા છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું છે કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. તેમના આ ટ્વિટ બાદ પોલીસે તાત્કાલિક એક પત્ર જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે, આ મેસેજ તદ્દન ખોટા અને અર્થહિન છે.
ગોપાલ ઈટાલિયાના ટ્વિટ બાદ પોલીસની સ્પષ્ટતા
તાજેતરમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલનું પ્રમોશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હેડ કોન્સ્ટેબલના પદ પર બઢતી આપી હતી. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું હતું.ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, અમુક સોશયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે તેવા સમાચાર ચાલી રહેલ છે. જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.