Gold Medal in National Swimming Games
તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલા સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સ-2023માં વડોદરાની મહિલા સ્વીમર કરુણાસિંઘે એથ્લેટિક અને સ્વિમિંગ સ્પર્ધામાં 9 મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 350થી વધુ મેડલ મેળવ્યા છે. નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વડોદરાની 5 મહિલાઓનું ગ્રૂપ ગયું હતું. આ મહિલાઓમાં કોઇએ 3 તો કોઇએ 10 મેડલ મેળવ્યા છે. આ પાંચેય મહિલાઓનું દુબઇમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ ગેમ્સમાં રમવા માટે સિલેક્શન થયું છે.
ગત 26થી 28 મે દરમિયાન દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22થી વધુ રાજ્યોના 3000થી ખેલાડીઓએ ભાગ લીધો હતો.સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સમાં વડોદરાની 5 મહિલાઓની ટીમે સ્વિમિંગ સહિતની રમતોમાં ભાગ લીધો હતો અને 49 વર્ષથી લઇને 63 વર્ષ સુધીની આ મહિલાઓએ ગોલ્ડ મેડલની વણજાર કરી દીધી હતી. જેમાં 60 વર્ષીય કરુણાસિંઘે સ્વિમિંગમાં 6 સહિત કુલ 9 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 50 પ્લસની કેટેગરીમાં માધુરી પટવર્ધને સ્વિમિંગમાં 6 અને એથ્લેટિકમાં 4 સહિત 10 મેડલ મેળવ્યા હતા. 63 વર્ષનાં લીલા ચૌહાણે પણ 10 મેડલ મેળવ્યા છે. 49 વર્ષીય વિભા દેશપાંડેએ મેડલ અને ડો. જાગૃતિ ચૌધરીએ 3 મેડલ મેળવ્યા હતા. લોકો જે ઉંમરે નિવૃત્ત થઇ જતા હોય છે, એ ઉંમરે પણ આ મહિલાઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે એક્ટિવ છે અને હવે આ તમામ મહિલાઓ ઇન્ટરનેશનલ રમવા જવાની છે.