વર્ષ 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર 59 કાર સેવકને જીવતા સળગાવી મુકવાના મામલે આજે સાબરમતી જેલની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. વર્ષ 2015થી 2016 દરમિયાન ઝડપાયેલા વધુ 5 આરોપી અંગે આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં 2 આરોપીઓને દોષિત અને 3ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે SITની ખાસ કોર્ટમાં જજ એચ.સી. વોરા સાબરમતી જેલમાં આ ચુકાદો સંભળાવ્યો હતો.
કોર્ટ આજ સાંજ સુધીમાં સજા ફરમાવે તેવી સંભાવના છે. ગુજરાતમાં ગોધરાકાંડ અતિ ચર્ચાસ્પદ કેસ છે. વર્ષ 2002માં ગોધરાકાંડમાં ઘટેલી ઘટનાના પડધા ગુજરાતભરમાં પડ્યા હતા આ પાંચેય આરોપી વર્ષ 2002થી ફરાર હતા અને 2015-16માં આ પાંચેય આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં 2015માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી. પાછળથી પકડાયેલા આરોપીઓની ગોધરા કાંડમાં ગુનાહિત ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું હતું. સાબરમતી જેલની અંદર સુરક્ષાના કારણોસર એક ખાસ કોર્ટ બનાવવામાં આવી છે. જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે.
આ સિવાય દાહોદ રેલવે સ્ટેશનથી ધાંતિયા અને ભાણાની ધરપકડ કરવામાં આવી હતી. તો 2016માં મહારાષ્ટ્રના માલેગાંવથી ભુમેડીની ધરપકડ કરાઈ હતી. આ પાંચેય આરોપી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, વર્ષ 2002ના ગોધરાકાંડમાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચમાં આ ઘટના બની હતી. જેમાં 59 મુસાફરોને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. અગાઉ 11 દોષિતોને સ્પે કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. પાછળથી 11 દોષિતોએ આ ઘટનાને હાઈકોર્ટમાં પડકારતા તેમની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી.