Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jaggery production process- ગોળ ઉત્પાદનમાં અગ્રેસર ગીર સોમનાથ, દેશભરમાં થાય છે એક્સપર્ટ, જાણો કેવી તૈયાર થાય છે ગોળ

Jaggery production process- ગોળ ઉત્પાદનમાં અગ્રેસર ગીર સોમનાથ, દેશભરમાં થાય છે એક્સપર્ટ, જાણો કેવી તૈયાર થાય છે ગોળ
, ગુરુવાર, 27 જુલાઈ 2023 (11:50 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાનીમાં ગુજરાત વિકાસની આગેકૂચ કરી રહ્યું છે. તદુપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીની આગેવાની પણ ખેડૂતોને દિશાદર્શન પૂરું પાડી રહી છે. જેના કારણે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ લોકોના ભોજનની થાળીમાં મીઠાશ વધારતો થયો છે. 
webdunia
ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતાં થયાં છે અને અન્ય રાજ્યોના શ્રમિકોને પણ રોજગારી પૂરી પાડતા થયા છે. અહીંના ગોળની મીઠાશ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરો સુધી પહોંચી છે. આ રીતે થાય છે ગોળનું ઉત્પાદન સૌ પ્રથમ તો ખેતરમાંથી શેરડી એકઠી કરવામાં આવે છે. ત્યારબાદ વીજળીથી ચાલતા ચિચોડામાં શેરડી પીલવામાં આવે છે. જે પછી તેનો એકઠો થતો રસ ગાળી લેવામાં આવે છે અને જુદા જુદા લોખંડના ભઠ્ઠામાં ઉકાળવામાં આવે છે. 
webdunia
આ ઉકાળવાની ક્રિયા દોઢથી બે કલાક સુધી સતત ચાલુ રહે છે. જેમાં ચીકણી ભીંડી પણ ઉમેરવામાં આવે છે. જે રસના નિર્જળીકરણમાં ખૂબ જ મોટો સિંહફાળો આપે છે. આ ભીંડી રસનો મેલ દૂર કરે છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોળનું શુદ્ધિકરણ થાય છે અને ઉકાળેલું પાણી ઠંડુ પડતાં ઘટ્ટ રસ મળે છે. જેને ઢાળીને તેના રવાં (ભીલાં) બનાવવામાં આવે છે. આ પછી ચોકીમાં ચોસલાં પાડી અને ૫,૧૦,૨૦…એમ વિવિધ કિલોગ્રામના ડબ્બામાં પેકિંગ કરી મુંબઈ સહિત વિવિધ શહેરોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. 
 
ગોળ એક, ઉપયોગ અનેક સામાન્ય રીતે જિલ્લામાં નવેમ્બર મહિનામાં જ ગોળ ઉત્પાદન માટે ખેડૂતો કમર કસી તૈયાર થઈ જતાં હોય છે અને માર્ચ સુધી રાબડાની સિઝન ચાલતી હોય છે. ગીર સોમનાથમાં ઉત્પાદિત ગોળના કુલ ઉત્પાદનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ નંબરની ક્વોલિટીનો ગોળ ખાદ્યપદાર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો કેટલોક ગોળ પ્રાણીઓને ખવડાવવામાં તેમજ તમાકુની પેદાશોની પ્રક્રિયામાં વાપરવામાં આવે છે. વળી ગોળ બનાવતાં વધેલા શેરડીના છોતરાંને સુકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. કેટલાક ખેડૂતો જમીનને પણ ગોળ પીવડાવે છે. જેથી વધુ પ્રમાણમાં અળસિયા ઉત્પાદન થઈ શકે અને જમીન ફળદ્રુપ બનાવી પ્રાકૃતિક ખેતીને વેગ આપી શકાય. 
 
એન્ટિઑક્સિડન્ટ-ખનીજમાત્રાથી ભરપૂર ખાંડના વિકલ્પમાં ગોળને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શુદ્ધ કરેલા ગોળના ઘટકોમાં મુખ્યત્વે સુક્રોઝ હોય છે. આ ઉપરાંત તેમાં ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ અને આર્યન જેવી ખનિજમાત્રા પણ ભરપૂર હોય છે. આ ઉપરાંત એન્ટિઑક્સિડન્ટથી ભરપૂર ગોળ કફ-શરદી, બ્લડપ્રેશર, એનિમિયા વગેરે જેવી બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી છે. 
 
‘ડાલામથ્થા સિંહ’, ’કેસર કેરી’ પછી પ્રવાસીઓના ભાથામાં ભળી ગોળની મીઠાશ શિયાળામાં દેશી ગોળનું વિવિધ રીતે સેવન કરવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. ગીર સોમનાથની કેસર કેરી, ડાલામથ્થા સિંહ ઉપરાંત હવે દેશી અને સ્વાસ્થ્યવર્ધક ગોળ પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અન્ય રાજ્યોમાંથી ફરવા આવતા પ્રવાસીઓ પણ ગોળની મીઠાશ પોતાની સાથે લઈ જાય છે તો કેટલાક ગ્રાહકો તો એવાં આવે છે જે એકસાથે જથ્થામાં આખા વર્ષ માટે ગોળનો ઓર્ડર આપી દે છે. 
 
શું કહે છે ગીર સોમનાથના ગોળ ઉત્પાદકો? 
પ્રાંસલીના આવા જ ગોળ ઉત્પાદક લખમણભાઈ વાળાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં દર વર્ષે ૨૫૦થી ૩૦૦ કરતાં પણ વધુ રાબડાઓ ધમધમે છે. લોકોના આરોગ્યને ધ્યાને રાખી ગોળ બનાવવામાં કે પ્રોસેસ દરમિયાન પણ કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી. ગોળ બનાવવાની સમગ્ર પ્રક્રિયા એકદમ શુદ્ધ હોય છે. એક ટન શેરડીમાંથી ૧૦૦ કિલો જેટલો ગોળ બને છે. એક સીઝનમાં એક રાબડા પરથી ૯ થી ૧૦ હજાર ગોળના ડબ્બાનું ઉત્પાદન થાય છે. સરકાર તરફથી વીજળી પણ ૨૪ કલાક મળતી રહે છે. જેથી ઉત્પાદન પ્રક્રિયામાં પણ કોઈ અવરોધ આવતો નથી. સમગ્ર દિવસ દરમિયાન ૮૦ થી ૯૦ ડબ્બા ગોળનું ઉત્પાદન થાય છે. આ વખતેની શેરડીની સિઝન પણ સારી છે એટલે ગોળનું ઉત્પાદન પણ વધુ થવાનો અંદાજ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધુ એક નબીરાનો અમદાવાદમાં અકસ્માત, નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી