દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવે તેવી શકયતાઓ વધી છે. ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં મોદીનો ભરૂચ જિલ્લાનો પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે જેમાં તેઓ ભાડભુત વીયર કમ કોઝવે યોજનાનું ભૂમિપૂજન અને રો રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડી અંતર ઘટાડવા માટે રો રો ફેરી સર્વિસનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. ૫૫૦ કરોડ રૂપિયાના ખર્ચથી પ્રોજેકટની કામગીરી લગભગ પૂર્ણ થવા આવી છે. ગત સપ્તાહે જ દહેજ ખાતે લીંક સ્પાન બેસાડી દેવામાં આવ્યો છે.૬ મીટરના લિંક સ્પાન એન્જિનિયરિંગની દૃષ્ટીએ વિશિષ્ટતા ધરાવે છે. વિશ્ર્વના સૌથી મોટા લિંક સ્પાનની કામગીરી મહત્તમ પૂર્ણ કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રસ્તાના અંતરને ૪૦૦ કિ.મી ઘટાડીને ઘોઘા- દહેજ રો- રો ફેરી અંતર્ગત ૩૨ કિ.મી જેટલું ટૂંકુ થઈ જશે. જેના કારણે મુસાફરે લાંબી મુસાફરી કરવી પડશે નહીં. માર્ચ મહિનામાં કેબલ સ્ટેઇડ બ્રિજ અને ઓપેલના લોકાર્પણ બાદ વડા પ્રધાનનો જિલ્લાનો બીજો કાર્યક્રમ બની રહેશે.રો રો ફેરી સર્વિસથી દહેજથી ભાવનગરનું અંતર માત્ર ૩૨ કિમીનું થઇ જશે. મોદીના હસ્તે ભાડભુત નજીક આકાર લેનારા વીયર કમ કોઝવેનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ બંને પ્રોજેકટના કાર્યક્રમમાં વડા પ્રધાન જાતે હાજરી આપશે. રો- રો ફેરી પ્રોજેક્ટમાં વિશ્ર્વના સૌથી મોટા લિંક સ્પાનની ડિઝાઇન લંડનની કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ સ્પાનની લંબાઇ ૯૬ મીટર જ્યારે પહોંળાઈ ૩.૫ મીટર છે. પ્રોજેક્ટમાં ઉપયોગી વેસલની ડિઝાઇન જાપાનમાં તૈયાર થયા બાદ તેને યુરોપ અને યુએસમાં બનાવવામાં આવ્યા હતાં. ૪૦૦થી ૬૦૦૦ કારનું વહન કરવાની ક્ષમતા વેસલની રહેશે.