Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગિફ્ટ સિટીમાં દોડશે Formula-1 રેસિંગ કાર્સ, 2028 સુધી સર્કીટ તૈયાર કરવા સરવે શરૂ કરાયો

gift city
ગાંધીનગર , બુધવાર, 17 જાન્યુઆરી 2024 (17:12 IST)
-  2028 સુધીમાં ગિફ્ટ સિટીમાં F1 રેસિંગ પણ શરૂ કરવાનું આયોજન
-   F1 સર્કિટના નિર્માણ માટે પાંચ હજાર કરોડથી 10 હજાર કરોડનો ખર્ચ

ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ભવિષ્યના સિંગાપોર, દુબઈ, હોંગકોંગ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં ઘણા આકર્ષણો ઉભા કરવાનું આયોજન છે. ત્યારે 2028 સુધીમાં ગિફ્ટ સિટીમાં F1 રેસિંગ પણ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં F1 સર્કિટના નિર્માણ માટે સર્વેક્ષણ અને અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે, F1 સર્કિટના નિર્માણ માટે પાંચ હજાર કરોડથી 10 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. 
 
આ દિશામાં કામ ઓગસ્ટ 2023માં શરૂ થઈ ગયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશમાં આવેલો બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ભારતનો પ્રથમ ફોર્મ્યુલા-1 (F1) સ્ટ્રીટ રેસિંગ ઇન્ટરનેશનલ ટ્રેક છે. વર્ષ 2011 અને 2013ની વચ્ચે ત્રણ ભારતીય ગ્રાન્ડ પ્રિકસ સીઝનનું આયોજન કર્યા પછી એન્ટરટેનમેન્ટ ટેક્સને કારણે વધુ વિકાસ પામ્યો ન હતો. હવે ભારત સરકાર ગિફ્ટ સિટી ખાતે F1 રેસિંગ શરુ કરવાનું વિચારી રહી છે. આ દિશામાં કામ ઓગસ્ટ 2023માં શરૂ થઈ ગયું હતું. જ્યારે યુકેના રેસિંગ નિષ્ણાતોની એક ટીમે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટરમાં F1 સર્કિટ સેટ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે અહીં રેસના આયોજન પર કોઈ ટેક્સ નહિ લાગે, જે F1 જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે નિર્ણાયક છે. 
 
સ્થાનિક અર્થતંત્રને મોટું પ્રોત્સાહન મળશે
સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગિફ્ટ સિટીમાં ફોર્મ્યુલા-1 રેસિંગ ટ્રેકની ફિઝિબિલિટી ચકાસવા અને તે માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેની એજન્સી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. ગુજરાત સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાર અને અન્ય મશીનો કે જે સ્પોન્સર્સ, ઓર્ગેનાઈઝર અને ઇન્વેસ્ટર્સ દ્વારા વિદેશથી આયાત કરવામાં આવશે અથવા લાવવામાં આવશે તેના પર કોઈ કર વસૂલવામાં આવશે નહીં. આનાથી કંપનીઓ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થશે. સરકાર અમદાવાદને ઓલિમ્પિક્સ 2036 માટે તૈયાર કરી રહી છે ત્યારે ગિફ્ટ સિટીમાં F1 સર્કિટ શરૂ કરવાની તૈયારીઓ કરાઈ છે. જે ત્રણ દિવસની ઇવેન્ટમાં લગભગ 1 લાખથી વધુ લોકો તેની મજા માણશે જેને કારણે સ્થાનિક અર્થતંત્રને મોટું પ્રોત્સાહન મળશે. 
 
ટ્રેકનું નિર્માણ 2028 સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ
ગિફ્ટ સિટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે F1 રેસિંગ ટ્રેકનું નિર્માણ 2028 સુધીમાં પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે સર્વેક્ષણ ચાલુ છે. આ ઉપરાંત 2026-27 સુધીમાં મેટ્રો સ્ટેશન, એમ્યુઝમેન્ટ પાર્ક, રિવરફ્રન્ટ વગેરે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેવાશે. તાજેતરમાં રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા માટે ગિફ્ટ સિટીમાં દારૂ પ્રતિબંધ નીતિ હળવી કરી હતી. તાજેતરના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉડતી કાર પણ ગિફ્ટ સિટીમાં હશે તેવી વાત કરી હતી. આ કારનું મોડેલ પણ ગાંધીનગરમાં આયોજિત થયેલા ટ્રેડશોમાં મુકવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે ગુજરાતથી અયોધ્યા જશે 5 કરોડ દીવડા