સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી લખીને ખેડૂતે ગળેફાંસો ખાઇ કર્યો'તો આપઘાત
, શનિવાર, 13 ઑક્ટોબર 2018 (15:08 IST)
પોરબંદરના કુતિયાણા ગામના વિરમભાઈ મસરીભાઈ ઓડેદરા નામના ખેડૂતને રાણાવાવ તાલુકાના મહીરા ગામે પોણા છ વીઘા ખેતર છે. છેલ્લા 3 વર્ષથી પોતાના ખેતરમાં અથાગ મહેનત કરવા છતાં ઉત્પાદન જ થતું નથી. મોંઘુ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ પાછળ હજારો રૂપીયા ખર્ચ કરી પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરી રહ્યા હોવા છતાં પાક ઉત્પાદન નિષ્ફળ જતું હોવાથી આ ખેડૂતને ધરતી નીચે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
પાક ઉત્પાદન નિષ્ફળ ગયું હોવાથી 4 લાખ રૂપીયા જેટલું દેણું થઈ ગયું હતું. ખેડૂત દેણામાં ભેરાઈ ગયા હોવાથી તેઓને દેણું ચૂકવવા માટે પોતાની આજીવિકા વેચવાની નોબત આવી હતી. આમ, ખેડૂત દેણાંની ભરપાઈ ન કરી શકે તેવી પરીસ્થિતિ સર્જાતા વિરમભાઈને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. તેણે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી. સુસાઈડ નોટમાં વિરમ મસરી ઓડેદરા નામના ખેડૂતે એવું જણાવ્યું હતું કે મારા મોબાઈલમાં વિડીયો બનાવેલ છે તે જાણજો.
પરંતુ તેમણે પોતાની આપવિતી અને વેદના વર્ણવતો મોબાઈલમાં બનાવેલ વેદનાજનક વિડીયો હાલ પોલીસે કબ્જે કર્યો છે. તેઓએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે મારા મૃત્યુનો પી.એમ. રીપોર્ટ ખેતીવાડી અધિકારીને આપજો. ખેડૂતે સુસાઇડમાં લખ્યું છે કે, મારે એક જ તકલીફ છે મારી માથે બેંકનું 1 લાખનું દેણું છે અને તેનું વ્યાજ ચાલુ છે. બીજા ત્રણ લાખ સગાસંબંધીના છે. ખેતરમાં કોઇ આવક થાય તેમ નથી. સરકાર ખેડૂત માટે કંઇ કરતી નથી એના માટે આ પગલું ભરૂ છું. મારો દીકરો રામ અને સીતા જેવા છે. મારી ઘરવાળી મારા ભાઇઓ મારા મા-બાપ સમાન છે.મારા મોબાઇલમાં વીડિયો બનાવેલો છે તે જોઇ લેશો. સૌને જય સીયારામ, મારૂ પોસ્ટમોર્ટમ કરાવજો અને ખેતીવાડીના અધિકારીને જાણ કરજો.
આગળનો લેખ