આણંદના અંબાવમાં સ્વામીનારાયણ મંદિરના સાધુ તાજેતરમાં કરોડો રૂપિયાની નકલી નોટો છાપવાના મામલે ઝડપાયા હતા ત્યારે નકલી નોટો છાપવાના મામલે ગુજરાત દેશભરમાં અગ્રેસર હોય તેમ નેશનલ ક્રાઈમ બ્યુરો રિપોર્ટ અને આરબીઆઈના વર્ષ 2017ના આંકડા મુજબ જાહેર થયું છે.
આ આંકડાઓ મુજબ વર્ષ 2017માં દેશભરમાં પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતનો હિસ્સો 32 ટકા હતો. આ એક જ વર્ષમાં ગુજરાતમાંથી 9 હજાર કરોડ રૂપિયાની બોગસ નોટો પકડાઈ હતી, જયારે આ મામલે બીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. ગુજરાત અને દિલ્હીમાં 50 ટકાથી વધારે નકલી નોટો પકડાઈ છે.
એનસીઆરબીએ 2016માં પ્રથમ વખત નકલી નોટોને પોતાના રિપોર્ટમાં સમાવવાનું શરૂ કર્યુ હતું. નવેમ્બર 2016માં દેશભરમાં રૂા.500 અને રૂા.1000ની નોટોને ચલણમાંથી નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી હતી. નોટબંધી બાદ પ્રથમ રિપોર્ટમાં દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા લેવામાં આવ્યા છે. જે મુજબ વર્ષ 2017 માં રૂા.28.1 કરોડની નકલી નોટો જપ્તકરાઈ હતી જે વર્ષ 2016માં જપ્ત કરાયેલી નકલી નોટોની તુલનામાં વધારે હતી.
રાજયમાં નકલી નોટોની સંખ્યામાં વાત કરીએ તો ગુજરાતમાંથી રૂા.9 કરોડ દિલ્હીમાંથી રૂા.6.79 કરોડ ઉતરપ્રદેશ રૂા.2.86 કરોડ, પશ્ર્ચિમ બંગાળ રૂા.1.93 કરોડ, કેરળ રૂા.1.30 કરોડ અને આંધ્રપ્રદેશમાં રૂા.1.2 કરોડના મૂલ્યની નકલી નોટો ઝડપાઈ હતી. જયારે બીજી બાજુ દેશના ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, સિકકીમ, મેઘાલય, ત્રિપુરા જેવા 10 જેટલા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો એવા છે જયાં એક પણ નકલીનોટ નથી મળી. નકલી નોટના મામલામાં 1046 જેટલા આરોપી પકડાયા હતા અને 978 જેટલા કેસ નોંધાયા હતા.