સુરતમાં થોડા દિવસોથી તાવની સાથે ઝાડા-ઊલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લા પાંચ દિવસમાં ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો અને તાવથી ત્રણ બાળકો સહિત પાંચનાં મોત થયાં છે. ગત રોજ ઝાડા-ઊલટીમાં સચિન વિસ્તારમાં રહેતા 2 વર્ષના બાળકનું અને ગોડાદરા વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું.
ગત શનિવારે સચિન વિસ્તારમાં તાવની ફરિયાદ બાદ 6 મહિનાના બાળકનું, પાંડેસરા વિસ્તારની 5 વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીમાં અને કનકપુર વિસ્તારના 30 વર્ષના યુવકનું પેટમાં દુખાવાની ફરિયાદ સાથે મોત થયું હતું.
સુરતના સચિન જીઆઇડીસીમાં 2 વર્ષના બાળકનું ઝાડા-ઊલટીમાં મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની જિતન પાસવાન હાલ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તિરૂમાલા સોસાયટીમાં 6 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. જિતન ડાઈંગ મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જિતનનાં સંતાન પૈકી સૌથી નાનો પુત્ર વિષ્ણુ (ઉં.વ.2)ને મંગળવારે રાત્રે ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં. જેથી બુધવારે સવારે પરિવાર તેને સારવાર માટે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યાંથી સારવાર લીધા બાદ વિષ્ણુ સાથે ફરી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરતના ગોડાદરામાં પરિણીતાનું ઝાડા થતાં મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલ ગોપાલનગરમાં અમિત પાસવાન પત્ની કલાવતી (ઉં.વ.28) તેમજ એક પુત્ર સાથે રહે છે. અમિત કાપડ માર્કેટમાં પેકિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમિતની પત્ની કલાવતીને મંગળવારે રાત્રે ઝાડા થયા હતા. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બુધવારે સવારે કલાવતીની તબિયત વધુ લથડી હતી. જેથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈને આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.