Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેસાણામાં 10 પાકિસ્તાની નાગરિકોનાં ચૂંટણી અને આધારકાર્ડ નીકળતાં ખળભળાટ

મહેસાણામાં 10 પાકિસ્તાની નાગરિકોનાં ચૂંટણી અને આધારકાર્ડ નીકળતાં ખળભળાટ
, બુધવાર, 6 જુલાઈ 2022 (10:07 IST)
મહેસાણાને અડીને આવેલા લાખવડ ગામે છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા 10 પાકિસ્તાની નાગરિકોએ ચૂંટણીકાર્ડ અને આધાર કાર્ડ કઢાવ્યાં હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસવડાએ આ મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસનો આદેશ કરતાં ટીમે મામલતદાર કચેરીમાં અધિકારીઓ સહિતનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.અંદાજે સાતેક વર્ષ પૂર્વે મહેસાણા નજીક આવેલા કુકસ ગામની સીમમાં મૂળ પાકિસ્તાનના કેટલાક હિન્દુ પરિવારો સ્થાયી થયા હતા. સમય જતાં કેટલાક પરિવારો લાખવડ અને કેટલાક દેલા સહિતના ગામોમાં વસવાટ કરવા જતા રહ્યા હતા. જે પૈકી હાલ લાખવડ ગામે રહેતા પરિવારના કેટલાક સભ્યોના ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ કેટલાક સમય પૂર્વે મહેસાણા સિટી મામલતદાર કચેરીમાંથી કાઢવામાં આવ્યા હતા. આ પ્રકરણ પોલીસ સમક્ષ પહોંચતાં પોલીસ દોડતી થઈ છે.જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ એસઓજીને આ અંગે તપાસ સોંપી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. જેને પગલે પીઆઇ ભાવેશ રાઠોડ અને તેમની ટીમે મહેસાણા સિટી મામલતદાર કચેરીમાં તપાસ શરૂ કરી અધિકારીઓનાં નિવેદન લીધાં હતાં. જેમાં લાખવડ રહેતા પાકિસ્તાની નાગરિકો પૈકી 10 જણાનાં આધારકાર્ડ અને 6 વ્યક્તિનાં ચૂંટણીકાર્ડ નીકળ્યાં હોવાનું બહાર આવ્યું હતું. એસઓજીએ કયા પુરાવાના આધારે અને કેવી રીતે ચૂંટણીકાર્ડ નીકળ્યાં તેની તપાસ હાથ ધરી છે.ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી. ગિલવાએ કહ્યું કે,  ભારતીય નાગરિક ન હોય તો ચૂંટણીકાર્ડ ક્યારેય ન નીકળી શકે.

ચૂંટણીકાર્ડ મેળવવા માટે ભરવામાં આવતાં ફોર્મ નંબર 6માં ભારતના નાગરિક તરીકે એક ડેકલેરેશન કરવાનું હોય છે અને ખોટું સોગંદનામું કરવું એ ગુનો બને છે અને જો પાકિસ્તાની નાગરિક પાસે લોંગ ટર્મ વિઝા હોય તો આધારકાર્ડ નીકળી શકે, પરંતુ આધારકાર્ડને આધારે ચૂંટણીકાર્ડ ના નીકળી શકે.એસઓજી પીઆઇ ભાવેશ રાઠોડે કહ્યું હતું કે, પાકિસ્તાની નાગરિકો દ્વારા ચૂંટણીકાર્ડ કઢાવવા અંગે સિટી મામલતદાર કચેરીમાં તપાસ હાથ ધરી હતી અને નિવેદન પણ લીધાં છે. તેમના કહ્યા મુજબ, નિયમો અનુસાર ચૂંટણીકાર્ડ કાઢ્યા છે. હવે અમે ચૂંટણી અધિકારીને પૂછીશું કે તેમના ચૂંટણીકાર્ડ નીકળે કે નહીં. ઇન્ચાર્જ સિટી મામલતદાર ઉર્વિશ વાળંદે કહ્યું હતું કે, લાખવડ ગામમાં રહેતા પાકિસ્તાની પરિવારના 10 લોકોના આધારકાર્ડ અને 6 લોકોના ચૂંટણી કાર્ડ નીકળ્યાં હોવાનો તેમજ જે ડોક્યુમેન્ટના આધારે આ તમામ કાર્ડ નીકળ્યાં તે તમામ ડોક્યુમેન્ટની ફાઈલ સાથે એસઓજી પોલીસને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Zoonoses Day- આજે વિશ્વ ઝૂનોજ દિવસ ઉજવાઈ રહ્યો છે, સંક્રામક બીમારી કેવી રીતે રોકીએ