ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યાર બાદ પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરાઈ હતી. જે આજે પૂર્ણ થવા પામી છે. હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. એટલે ધો, 10 અને 12ની પરીક્ષાના પરિણામો એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. લોકસભાની ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિના જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપાશે.
આજે રાજ્યમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે
ગત 11 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ હતી. પરીક્ષાની સાથે જ શિક્ષકોના મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા. શિક્ષકોએ પેપર ચકાસવાની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આજના દિવસમાં સમગ્ર રાજ્યભરમાં પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થશે. ત્યાર બાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે. અત્યારસુધી ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલાં જાહેર કરવામાં આવશે.
એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે
આ અંગે બોર્ડના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ચૂંટણી હોવાથી પરિણામ વહેલાં જાહેર કરવામાં આવશે. આજે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં બોર્ડની કચેરી દ્વારા આગળની પ્રક્રિયા કરવામાં આવશે. ઝડપથી પરિણામ તૈયાર કરી એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ વહેલાં જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે. ધો. 10 અને 12 નું પરિણામ વહેલું જાહેર થતા વિદ્યાર્થીઓનાં આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો તે માટેની પ્રક્રિયા ઝડપી બનશે.