Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

DRDOના સહયોગથી ગુજરાત સરકારની પહેલ, ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં ૧૫૦ બેડનું ICU પણ હશે

DRDOના સહયોગથી ગુજરાત સરકારની પહેલ, ઓક્સિજન સુવિધા સાથેની આ હોસ્પિટલમાં ૧૫૦ બેડનું ICU પણ હશે
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (21:07 IST)
કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ૯૦૦ બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. 
 
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરાશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. 
 
અમદાવાદમાં ૧૩ર ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ૯૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં ૧૫૦ આઇ.સી.યુ. બેડ હશે, જયાં ૧૫૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ ૯૦૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ ૫૦૦ પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે. 
 
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. 
 
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે. 
 
૯૦૦ બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ હશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરાશે. 
 
આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત થઇ જાય તે માટે અગ્રતા અને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ DRDO ના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવ અંજુ શર્માને જરુરી સૂચનાઓ આપી હતી જેથી અમદાવાદમાં  કોરોનાના દર્દીઓ માટે તાકીદે વ્યવસ્થા ઉભી કરી શકાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IPL 2021, KKR vs MI: બોલરોના દમ પર કલકત્તા મજબૂત, મુંબઈએ ગુમાવી 7 વિકેટ