Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ડોક્ટર્સે 16 મહિનાના બાળકમાંથી દુર્લભ પલ્મોનરી ગાંઠ દૂર કરી

Pulmonary Tumor
, મંગળવાર, 19 એપ્રિલ 2022 (17:21 IST)
અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સના ડોક્ટર્સની ટીમે ફેફસામાં ખૂબ જ દુર્લભ ગાંઠને સર્જરીથી દૂર કરીને 16 મહિનાના બાળકને નવું જીવન આપ્યું છે. મુખ્યત્વે પ્લમોનરી ટેરાટોમા તરીકે ઓળખાતી આ દુર્લભ ગાંઠ અંગે સૌપ્રથમ વર્ષ 1839માં જાણકારી પ્રાપ્ત થઇ હતી અને વિશ્વભરમાં તેના 100થી પણ ઓછા કેસ નોંધાયા છે અને તેના ભારતમાં અત્યાર સુધીમાં ખૂબ જ ઓછા કેસ છે.
 
બાળકને તાવ અને ન્યુમોનિયાના લક્ષણો હતા
બાળકને વારંવાર તાવ અને ન્યુમોનિયા જેવાં લક્ષણો સાથે પિડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. પુષ્કર શ્રીવાસ્તવની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. તાવના મૂળ કારણ અને બાળકના કથળતા સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ચેસ્ટ એક્સ-રે અને સીટી સ્કેન કરાયું હતું, જેમાં છાતીની જમણી બાજુને લગભગ આવરી લેતી મોટી ગાંઠ મળી આવી હતી.
 
એન્ટિબાયોટિક્સ આપી તાવ મટાડ્યો
સૌપ્રથમ એન્ટિબાયોટિક્સથી બાળકમાં ચેપને નિયંત્રિત કરાયો હતો અને તાવ ઉતરી ગયાં બાદ પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવે દ્વારા સર્જરીનું આયોજન કરાયું હતું. ત્રણ કલાકની લાંબી સર્જરી દરમિયાન ફેફસાના જમણાં ભાગો સાથે ગાંઠને સંપૂર્ણપણે દૂર કરાઇ હતી તથા હિસ્ટોપેથોલોજીસ્ટ ડો. માનસી ત્રિવેદી દ્વારા તેની બાયોપ્સી પણ કરાઇ હતી.
 
સર્જરી બાદ બાળકની સ્થિતિ પર સતત નજર રખાઈ
બાયોપ્સી રિપોર્ટમાં ફેફસામાં પરિપક્વ સિસ્ટિક ટેરાટોમાની ઉપસ્થિતિ જણાઇ હતી. તેમાં વાળ, ચરબી અને આંતરડાની પેશીઓ પણ મળી આવી હતી. બાયોપ્સી રિપોર્ટને આધારે પિડિયાટ્રિક હેમેટો-ઓન્કોલોજીસ્ટ ડો. હેમંત મેઘાણીની સલાહ લેવાઇ હતી કે જેમણે બાળકની સ્થિતિ ઉપર સતત નજર રાખી હતી.
 
સર્જરી બાદ પણ બાળક અન્ય બાળકોની જેમ રમી શકશે
ડો. દિપ્તીએ કહ્યું હતું કે, “સારું છે કે ગાંઠ સામાન્ય હતી અને બાળક ઉપર કરાયેલી સર્જરીનો ઉપચાર કરી શકાશે. બાળકની સ્થિતિ સારી છે અને તે તેની ઉંમરના બીજા બાળકોની માફક રમી શકે છે. જોકે, તેના માતા-પિતાને બાળકની સલામતી માટે નિયમિત ફોલો-અપ્સ લેવાનું સૂચન કરાયું છે.”
 
એક્સાઇઝ્ડ માસના હિસ્ટોપેથેલોજી દ્વારા ગાંઠની પુષ્ટિ
ડો. પુષ્કરના મત અનુસાર, “વિશેષ કરીને આ કેસ જટિલ હતો. કારણ કે શરૂઆતી ચેસ્ટ એક્સ-રે અને લેબ રિપોર્ટ બાળકના ક્લિનિકલ પરિણામો સાથે મેચ થતાં ન હતાં. આ ન્યુમોનિયા બાદ તપાસ શરૂ થઇ, જેની આખરે એક્સાઇઝ્ડ માસના હિસ્ટોપેથેલોજી દ્વારા પુષ્ટિ કરાઇ હતી. અમને એક ટીમ તરીકે ખુશી છે કે સંપૂર્ણ સર્જરી અને સાચું નિદાન હાંસલ કરી શકાયું છે.”
 
નજીકના ભવિષ્યમાં ખાસ ફોલો-અપ્સની જરૂર
તેમણે ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે અમે કેટલાંક અપવાદો સાથે બાળકના લાંબાગાળાના ઉત્તમ દેખાવની આશા રાખીએ છીએ, પરંતુ તેના માટે નજીકના ભવિષ્યમાં ખાસ ફોલો-અપ્સની જરૂર રહે છે. બાળક એક સ્ટાર છે અને તેણે મેડિકલ થેરાપી અને મોટી સર્જરી સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પિડિયાટ્રિક્સમાં એક છત નીચે ઉપલબ્ધ મલ્ટીડિસિપ્લિનરી ટીમને કારણે આ શક્ય બન્યું છે.”
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓનર કિલિંગ - ઉપલેટામાં બહેને પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ બહેન-બનેવીને જાહેરમાં છરીથી રહેંસી નાખ્યા