- અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા
- સમાજના લોકોએ કલેક્ટર કચેરી બહાર કિશન હમ શર્મિદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈ, જય શ્રીરામ સહિતના નારા લગાવ્યા
- આરોપીઓને ફાંસીની સજા આપવા રજૂઆત કરી હતી. એ ઉપરાંત સમાજના લોકો દ્વારા આરોપીઓનાં એન્કાઉન્ટર કરવાની પણ માગણી કરવામાં આવી હતી.
- ધંધુકાના કિશન ભરવાડ હત્યા મામલે હવે એક બાદ એક લોક સાહિત્યકારોના નિવેદનો સામે આવી રહ્યા છે
- જાણીતા કલાકાર દેવાયત ખવડે પણ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી જણાવ્યું છે કે, ભરવાડ પરિવારને ન્યાય અપાવવા સર્વ સમાજ એક થાય. હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે જ્ઞાતિવાદ દૂર કરી સૌને એક થવા અપીલ કરું છું. આ દેશ પણ નબળો નથી અને આ દેશનો દેવ પણ નબળો નથી કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન કૃષ્ણે જ નારો લગાવ્યો હતો. જરૂર પડ્યે આપણે શાસ્ત્રો અને શસ્ત્રનો ઉપયોગ કરી આગળ વધવાની તૈયારી દાખવી જ્ઞાતિ જાતિ ભૂલી હિન્દૂ થઇ ખભે ખભો મિલાવી આગળ વધીશું.
ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો સાથે રેલીઓ થઈ રહી છે. "કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ"ના નારા સાથે કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની માલધારી સમાજ માગણી કરી રહ્યો છે. તેમાં પણ રાજકોટ, અમદાવાદ, સુરત, કરજણ સહિતના શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેકટરને આવેદન પત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની માગણી કરી છે. રાજકોટમાં તો દેખાવો કરી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને તેના પરિણામે કેટલાક યુવાનોને ઈજા થતા ભારેલા અગ્નિની સ્થિતિ ફેલાઈ હતી.
રાજકોટ કલેક્ટર કચેરીએ જતા રસ્તા પર માલધારી સમાજનો મહેરામણ
રાજકોટમાં રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રસ્તા પર માલધારી સમાજનો મહેરામણ ઉમટ્યો હોય તેમ જણાતું હતું. માલધારી સમાજની સાથે હિન્દુ સંગઠનો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 'કિશનના હત્યારાઓને ફાંસી આપો... ફાંસી આપો..., હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ'ના નારા સાથે આ રસ્તાઓ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ તમામ યુવાનો-સમાજના આગેવાનોની એક જ માગ હતી કે કોઈ પણ ભોગે કિશનના હત્યારાઓને સજા થવી જ જોઈએ. આ રીતે હિન્દુ સંસ્કૃતિ પરના હુમલાને આ દેશમાં ચલાવી લેવાશે નહીં.