નોટબંધી બાદ રૂ.500ની નવી નોટો બહાર પાડી હતી. આ નોટોની ઉપલબ્ધતા અને તેની ગુણવત્તાને લઇને અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો ગઇકાલે અમદાવાદમાં બન્યો હતો. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડનાર વિવેક પંચાલ ભોગ બન્યા છે. તેઓ આ જ વિસ્તારના ભાજપના કોર્પોરેટર જાગૃતિ પંચાલનો પુત્ર છે. ATMમાંથી તેમણે પૈસા કાઢ્યા ત્યારે એક 500ની નોટ ડિફેકટિવ તેમજ ખોટી રીતે કટ ધરાવતી નીકળી હતી.
આ અંગે વિવેક પંચાલે સૌપ્રથમ બ્રાન્ચ મેનેજર, ત્યારબાદ ડે.મેનેજરે પાસે મોકલ્યા તો તેમણે કહ્યું આ બેન્કની નહીં આરબીઆઈની ભૂલ છે તમે ત્યાં જઇ આ ભૂલની રજૂઆત કરો. પંચાલે જણાવ્યું હતું કે આ નોટને અનેક દુકાન અને મોલમાં વટાવવા માટે મેં પ્રયાસ કર્યા પરંતુ કોઈ વ્યક્તિ તેને લેવા તૈયાર નથી. આ અંગે RBIના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર અલ્પના કિલાવાલાએ કહ્યું કે ડિફેક્ટિવ નોટને બદલી આપવી બેંકની જવાબદારીમાં આવે છે. જો તેમ છતા બેંક આ નોટ ન બદલી આપે તો ગ્રાહક RBIનો સંપર્ક સાધી શકે છે. ઉલ્લેખનીય છે કે 8મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.1000ની નોટ બંધ કરી હતી અને 500ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.