Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Cyclone Michong - બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે ખતરનાક બનશે, ગુજરાતમાં તેની કેવી અસર થશે?

Cyclone Michong
, સોમવાર, 4 ડિસેમ્બર 2023 (11:16 IST)
ગુજરાતમાં એક તરફ હવામાનમાં પલટો આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું મિચોંગ નામનું વાવાઝોડું વધારે ખતરનાક બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
દક્ષિણ આંદામાન સમુદ્રમાં પહેલાં સિસ્ટમ બની હતી અને તે બાદ તે બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે જ મજબૂત બની હતી. આ સિસ્ટમ તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ વાવાઝોડું બની ગઈ છે અને હજી તે મજબૂત બનશે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
આ વાવાઝોડું હાલ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે અને આંધ્ર પ્રદેશ પર તે ત્રાટકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. મિગજોમ વાવાઝોડાની અસર પાંચ કરતા વધારે રાજ્યોને થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલું આ ચોથું વાવાઝોડું છે અને ભારતના દરિયામાં બનેલું આ વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડું છે. સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સરેરાશ ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે.
 
મિચોંગ વાવાઝોડાની ગુજરાતને કોઈ અસર થશે?
 
બંગાળની ખાડીમાં સર્જાયેલું મિચોંગ વાવાઝોડું હાલ ધીરેધીરે આગળ વધી રહ્યું છે અને તેની સીધી અસર ભારતના પૂર્વ તરફના દરિયાકાંઠે આવેલાં રાજ્યોને થશે.
 
ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર નહીં થાય પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી હાલ પહોંચી રહ્યા છે.
 
બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્ય પ્રદેશની આસપાસ આ પૂર્વના પવનો સાથે મળે છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા ગુજરાતને અસર થઈ રહી છે.
 
ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાની પરોક્ષ રીતે અસર થઈ રહી છે પરંતુ તેની કોઈ વધારે અસર થાય તેવી શક્યતા નથી અને તેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોઈ જગ્યાએ સાવ હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
 
ભારતની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે તરફ વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે ભારતના વિવિધ વિસ્તારોને અસર કરતાં હોય છે. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોય છે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની રાજ્યને સીધી અસર થતી નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ક્રબ ટાઈફ્સનો પ્રથમ કેસ સામે આવ્યો