અમદાવાદ મ્યુનિ. બોર્ડની મંગળવારે મળેલી બેઠકમાં તૂટેલા રોડ અને ડોર-ટુ-ડમ્પના સફાઈના કોન્ટ્રાક્ટમાં ચાલતી પોલંપોલનો વિષય કેન્દ્રસ્થાને રહ્યો હતો. વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, તમારી વિકાસની વણથંભી યાત્રાની ગુલબાંગો વચ્ચે કડવી વાસ્તવિકતા તો એ છે કે, ભ્રષ્ટાચારની વણથંભી યાત્રા પણ અવિરત ચાલી રહી છે. તુટેલા રોડમાં ચમરબંધીને પણ નહીં છોડાય તેવી બોર્ડમાં મેયરે ખાતરી આપી હતી, હવે જો આપણે ચમરબંધી સામે પગલાં લીધા વગર જ તેમને છોડી દઈશું તો અમદાવાદના નાગરિકો આગામી દિવસોમાં આપણને નહીં છોડે. તેમણે કહ્યું હતું કે, લોકોએ ખોબે ને ખોબે મતો આપીને ભારતીય જનતા પક્ષને ચૂંટયો છે, પણ એરીયા તો રાજ ચાલે છે માત્રને માત્ર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનું. નાગરિકોની સુખાકારી કરતાં તમને મળતીયા કોન્ટ્રાક્ટરોને સાચવી લેવાની વધુ ચિંતા છે. રોડના વારંવાર ટેન્ડર બહાર પડયા છતાં કોન્ટ્રાક્ટરો ના ભરે તેવી રણનીતિ કોઈ તંત્રમાં બેઠેલાઓએ તો નથી તૈયાર આપીને ? જેથી તેમની શરતો ઘુંટણીએ પડીને સ્વીકારવી પડે ? વસ્ત્રાલમાં માટી ઉપર જ ડામર-કપચી પાથરી દઈને રોડ બનાવવાની બાબતમાં અને કચરો નહીં ઉપડતો હોવાની બાબતે બન્ને પક્ષના કોર્પોરેટરો એકમત થઈ ગયા હતા. વસ્ત્રાલના માટી પર બનાવી દીધેલા રોડ અંગે ડેપ્યુટી કમિશનરે એવી માહિતી આપી હતી કે (૧) કોન્ટ્રાક્ટરનું આ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે (૨) રૃા. ૭૫૦૦૦નો ખર્ચ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે અને (૩) સંબંધિત એન્જિનિયરોને શોકોઝ નોટિસો આપી ખુલાસો માગવામાં આવ્યો છે. ત્યારબાદ આગળના પગલાં લેવાશે. જ્યારે સફાઈના કોન્ટ્રાક્ટરને અગાઉ કરતા ડબલ ચાર્જ આપવામાં આવે છે. વધુ ગાડીઓ મુકાઈ છે, છતાં કચરો નહીં ઉપડતો હોવાની ફરિયાદો તમામ વિસ્તારોમાં ઉભી થવા પામી છે. વિપક્ષના નેતાની રજૂઆતમાં સૂર પુરાવતાં ભાજપના પૂર્વ મેયરે કહ્યું હતું કે, અમે રાઉન્ડમાં નીકળીએ ત્યારે આ બાબતમાં લોકો અમારી સામે થોકબંધ ફરિયાદો કરે છે. સફાઈના વાહનોવાળા ૯૨ ટકા, ૯૫ ટકા જીપીઆરએસના પુરાવા સાથે કામગીરી થવાનું જણાવે છે. તો હવેથી સોસાયટીના ઝાંપે નહીં અંદરની તરફ સ્ટીકર મારવા જોઈએ જેથી વાહન ખરેખર આવ્યું હતું કે નહીં તેની લોકોને ખાત્રી થાય. નેતાએ કહ્યું હતું કે, ઘાટલોડિયામાં સફાઈના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. આ રીતે પ્રજાને કઈ રીતે કોન્ટ્રાક્ટરો બાનમાં લઈ શકે ? હેલ્થ કમિટીના ચેરમેને કહ્યું હતું કે આ મુદ્દે સફાઈના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે અને ફરી આવું કરશે તો કડક પગલાં લેવાશે. નવા પશ્ચિમ ઝોનની પ્રોપર્ટી ટેક્સની રકમ ઓછી કરવા ડે. કમિશનરે લાંચ માગ્યાની બહાર આવેલી બાબતે તપાસની માગણી કરતાં નેતાએ કહ્યું હતું કે કોઈએ ખોટી રજૂઆત કરી હોય તો તેની સામે પગલાં લો, લાંચ માગી હોવાનું પુરવાર થાય તો અધિકારી સામે પગલાં લો, અન્ય અધિકારીઓએ ૫૦ લાખ વધુ કમી કરવાના કાગળોમાં સહીઓ કરી હતી જે ડે. કમિશનરે માન્ય ના રાખી તો તે બન્નેમાં કોણ સાચું ? જ્યારે એક સભ્યએ ગેરકાયદે બાંધકામના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા જન્મી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, કેટલાંક તત્ત્વો કોટ વિસ્તારમાં તથા ગેરકાયદે બાંધકામો સામે અરજીઓ કરીને રોકડી કરે છે. કેટલાંક રાજકિય તત્ત્વોએ નવા બાંધકામો થતા હોય તો શોધી કાઢવા અને અરજીઓ કરવા માણસો રોક્યા છે.