અલ્લાહ કા ઘર અલ્લાહ કે બંદો કે લિયે ઇસ્તેમાલ હોના ચાહિએ, મસ્જિદ બની કોવિડ સેન્ટર
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (18:08 IST)
ગુજરાતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સંક્રમિતોની સંખ્યા સતત વધતાં હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવીને લોકોની મદદ કરી રહી છે. ત્યારે લોકોને ધર્મના બદલે માનવધર્મ નિભાવી રહ્યા છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે. આ વૈશ્વિક મહામારી સામે લડવા રાજ્ય સરકાર અને પ્રશાસન બાથ ભીડી રહ્યું છે અને તેમાં ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંગઠનોનો પણ પ્રશસ્ય સહયોગ સાંપડી રહ્યો છે.
વડોદરા શહેરમાં કોરોના સામેનું યુદ્ધ લડવા મુસ્લિમ સંસ્થાઓ પણ આગળ આવી છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને બિરાદરોના સહયોગથી શહેરના જહાંગીરપુરા મસ્જિદ અને તાંદલજાના દારૂલ ઉલેમ ખાતે સુવિધા સભર કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં મુસ્લિમ સમાજના નાગરિકોને કોવિડની સારવાર સેવા આપવામાં આવી રહી છે. હાલમાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના બિરાદરો અલ્લાહ તાલાની ઇબાદત કરે છે.
અલ્લાહ કા ઘર અલ્લાહ કે બંદો કે લિયે ઇસ્તેમાલ હોના ચાહિએ એવી લાગણી વ્યક્ત કરતા જહાંગીરપુરાના ઈરફાન શેખ કહે છે કે જહાંગીરપુરા મસ્જિદમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઇ ઓક્સિજનની સુવિધા સહિતના ૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.એટલું જ નહિ જરૂર પડે બેડ વધારવામાં પણ આવશે.મુસ્લિમ બિરાદરો માટે બંદગીનું આ સ્થળ હવે કોરોના સારવારનું કેન્દ્ર બન્યું છે.
તો શહેરના તાંદલજામાં વડોદરા માનવ કલ્યાણ ફાઉન્ડેશન સંચાલિત દારૂલ ઉલેમમાં 142 પથારીની સુવિધા ધરાવતું કોવીદ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા સહિત ૧૦ વેન્ટિલેટર અને બાયપેપની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સેન્ટરમાં પરિસ્થિતિને અનુરૂપ વધુ પથારીની સુવિધા પણ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના સામેનું આ યુદ્ધ સરકાર, શાસન, મહાજન, પ્રજાજન અને ધાર્મિક તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ચોક્કસ જીતી જવાશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
આગળનો લેખ