ગુજરાતમાં આત્મહત્યા અંગેના કેસો અટકાવી શકાય તે માટે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન ૧૦૪ માં સુસાઇડ રિલેટેડ કેસો પણ હેન્ડલ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા ૧૩ માસમાં રાજ્યભરમાંથી ૩૫૦ લોકોએ કોલ કરીને સુસાઇડનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. જેમાંથી ૨૩૬ લોકોનું અસરકારક રીતે કાઉન્સિલિંગ કરીને તેઓને જીવનના ખૂબ જ નાજુક સમયગાળામાંથી બચાવી લેવાયા હતા. આજે તા. ૧૦ સપ્ટેમ્બરે 'વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે ' તરીકે ઉજવવામા ંઆવે છે. ત્યારે ગુજરાતમાં સુસાઇડના કેસોની સંખ્યા ઉત્તરોતર વધતી જઇ રહી છે. સુસાઇડના કેસ અટકાવવા જોઇએ તેવી લાગણી સાથે ગત વર્ષે ૨૨ સપ્ટેમ્બરના રોજ હેલ્થ હેલ્પલાઇન ૧૦૪ માં સુસાઇડ રિલેટેડ કેસ પણ હેન્ડલ કરવાનું આયોજન કરાયું હતું. આ અંગે આ હેલ્પલાઇનના અધિકારીના જણાવ્યા મુજબ આમ તો ૧૦૪ પર સામાન્ય રીતે હેલ્થ રિલેટેડ જ માહિતી આપવામાં આવતી હોય છે. હાલમાં કોવિડ કેરને લગતી માહિતી પણ અપાઇ રહી છે . હવે સુસાઇડ સંદર્ભે પણ કોલ સ્વીકારીને કાઉન્સેલિંગ કરાઇ રહ્યું છે. સમાજમાં આર્થિક, પારિવારિક, માંદગી, શારીરિક-જાતિય સતામણી, પ્રેમસંબધ અને માનસિક અસ્થિરતા જેવા કારણોસર લોકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે. જેમાં ૧૦૪ ઉપર કોલ આવે ત્યારે સૌપ્રથમ કોલરની વાત શાંતિ અને ધ્યાન પૂર્વક સાંભળવામાં આવે છે. ત્યાર બાદ નિષ્ણાત કાઉન્સિલરો દ્વારા ફોન પર જ સમજાવવામા ંઆવે છે. કાઉન્સિલિંગ બાદ એક કલાક પછી ફરી પાછો ફોન કરીને તાજા સ્થિતિ જાણવામા ંઆવે છે. સમયાંતરે કોલ કરીને તેના ખબર અંતર પુછવા, મુંઝણવો દુર કરવી, કોઇ મદદની જરૂર હોય તો કહેવા અને જીવનમુલ્ય સમજાવવા અને જીવન કેવી રીતે જીવવું જોઇએ તે અંગેની જાણકારી આપીને તેઓને સુસાઇડનો ઇરાદો છોડી દેવા સમજાવવામા આવે છે.છેલ્લા ૧૩ માસમાં ૩૫૦ કોલ આવ્યા હતા. જેમાંથી ૧૧૪ કોલમાં કોલ કરનારે ફોન મૂકી દીધો હતો. જ્યારે ૨૩૬ કેસમાં કોલ કરનારે સામેથી સમજ મેળવી હવે આત્મહત્યા નહિં કરવાના નિર્ધાર સાથે પૂનઃજીંદગી જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.