છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં દરરોજ 900થી વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાના વધી રહેલા ફેલાવાને પગલે લોકો હવે સ્વયંભૂ બંધ પાળવા લાગ્યા છે. જેને પગલે ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડોએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. મહેસાણામાં સતત વધી રહેલા કેસને પગલે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટિંગ યાર્ડ સોમવારથી બંધ રહેશે. વેપારીઓ દ્વારા 25મી તારીખ સુધી બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.મહેસાણાના ઊંઝાનું માર્કેટિંગ યાર્ડ જ નહીં પરંતુ ઊંઝા બજાર પણ આજથી સંપૂર્ણ બંધ રહેશે. આજથી શરૂ કરીને સાત દિવસ સુધી એટલે કે 27 તારીખ સુધી બજાર બંધ રહેશે. ઊંઝા નગરપાલિકા તરફથી વેપારીઓને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ સ્ટોર, દૂઘ વેચાણ કેન્દ્રો તેમજ ઇમરજન્સી સિવાય તમામ દુકાનો સ્વયંભૂ બંધ રહેશે. જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરુભાઈ ધાંધલે મહત્ત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે બોટાદ માર્કેટિંગ યાર્ડ 20 જુલાઈથી 26 જુલાઈ સુધી બંધ રહશે. યાર્ડ બંધની જાહેરાત સમયે શાકભાજી તેમજ કપાસની આવક શરૂ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થતો રહેશે તો યાર્ડ બંધ રાખવાની મુદતમાં વધારો કરવામાં આવશે.