Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: 'બીજી કોરોનાની લહેરમાં કોરોના કરતા તેનો ભય વઘુ ઘાતક પુરવાર થયો’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ચોંકાવનારો સર્વે: 'બીજી કોરોનાની લહેરમાં કોરોના કરતા તેનો ભય વઘુ ઘાતક પુરવાર થયો’
, સોમવાર, 24 મે 2021 (10:41 IST)
વ્યક્તિ જ્યાં સુધી વાસ્તવિકતામાં જીવતો હોય છે તે માનસિક સ્વસ્થ હોય છે.  કોઈપણ બાબતનો સ્વીકાર કરી શકે છે અને તેની સામે લડી શકે છે પરંતુ જ્યારે કલ્પનીક ભયમાં રહે છે. તો તેની બહુ ઉંડી નકારાત્મક અસર પડતી હોય છે. કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મનો વિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા ડો. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું છે.
 
જેમાં જાણવા મળ્યું કે કોરોના કરતા તેનો કલ્પનીક ભય, તેના વિશેના ફોટાઓ, વિડીયો, મૃત્યુના આંકડા, બીમારીઓ ફેલાવતા કે રુદન કરતા સ્ટેટ્સ અને ભયાનક દ્રશ્યો વગેરે બાબતો વધુ ભય ફેલાવે છે. ૧૭૧૦ લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો કે આ સમયમાં તમને કોરોનાનો ભય શા કારણે વધુ લાગ્યો? આ સર્વેમાં ૬૦% સ્ત્રીઓ અને ૪૦% પુરુષોએ ભાગ લીધો હતો. સર્વેના તારણો નીચે મુજબ છે.
 
 
વિવિધ પ્લેટફોર્મ પર જે મૃત્યુના આંકડા આવતા તેણે સહુથી વધુ ભય ફેલાવ્યો. ૨૪.૩૦% એ સ્વીકાર્યું કે જે સતત મૃત્યુના આંકડા અને તે આંકડાઓમાં જે રોજ વધારો થતો એ જોઈ સહુથી વધું ભય લાગ્યો હતો.
 
કિસ્સો:૧ - ‘મારા પિતા સતત એમ જ રટણ કરે છે કે હવે જે મૃત્યુના આંકડાઓ વધે છે તે જોઈ એ એમ જ બોલે છે કે, હવે આ આંકડાઓમાં મારો સમાવેશ થશે. કેમ કે આ આંકડાઓ રોજ વધતા જાય છે અને તેમાં ક્યારે વારો આવી જાય કોને ખબર’
 
૨૨.૧૦%  લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ, ફોટાઓ, સ્ટેટ્સ, વિડીયો જોઈ ભય લાગતો. ખાસ કરી જે લોકો સ્મશાનના ફોટા, કોઈના મૃત્યુના ફોટા, કોઈની ગંભીર હાલત હોય એ ફોટા, કોઈ માતમ મનાવતું હોય એવા ફોટાઓ મુકતા ત્યારે ખૂબ ભય લાગતો.
 
કિસ્સો: ૨ - એક નર્સ સ્ટાફ જે સતત કોવિડ ડ્યુટી કરતી તેને ભય નહોતો પણ હમણાંથી જે એમ્બ્યુલન્સની વેઇટિંગના ફોટા અને સ્મશાનના ફોટા જોયા એ જોઈ બીક લાગી અને તબિયત બગડતા કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો.
 
૧૯.૧૦% લોકોએ જણાવ્યું કે જ્યારે જ્યારે સાંભળ્યું કે હવે હોસ્પિટલમાં બેડ નથી કે ઓક્સિજન અભાવ છે ત્યારે ભય લાગ્યોના વિચારો આવતા કે જો આપણને કઈક થશે તો શું કરીશું? ક્યારેક ખૂબ પેનિક થઈ જવાતું જેથી મન પર નિયંત્રણ ન રહેતું.
 
કિસ્સો: 3 - ‘મારા મામા હોમ આઇસોલેટ છે. તેને કઈ ગંભીર કોરોના નથી એવું ડોકટર કહેલું પણ જ્યારથી તેને ખબર પડી કે હોસ્પિટલમાં બેડ ફૂલ છે અને ઓક્સિજન નથી મળતું તો ત્યારથી એને શ્વાસમાં તકલીફ પડે છે. અમે ઓક્સિજન માપી તો લેવલ બરાબર જ આવે છે પણ એ નથી સમજતા.’
 
દિવસે દિવસે છાપામાં જે શ્રદ્ધાંજલિના ફોટાઓના પેઇઝ વધતા જતા હતા એ જોઈ ૧૫.૦૭ % લોકો ભયભીત થયા. ઘણી વખત એ ફોટાઓમાં તેમને તેમના પોતાના સ્વજનો અને પોતાના મોઢા દેખાતા. રાત્રે સ્વપ્નમાં પણ એવા ફોટા જોઈ ગભરામણ થતી.
 
કિસ્સો: ૪ -‘અમારા ઘરે ન્યુઝ પેપર આવે છે. તેમાં જે શ્રદ્ધાંજલીના ફોટાઓ આવે એ જોઈ મારો ભાઈ ખૂબ ડરે છે. સાથે મોબાઈલમાં પણ કોઈની મૃત્યુની નોંધ વાંચે તો પણ ડરી જાય છે. ઘણી વખત રાત્રે ઊંઘમાં પણ ૐ શાંતિ બોલે છે ને રડવા લાગે છે’
 
૧૦.૦૮% એમ્બ્યુલન્સના સાયરનથી ખૂબ વ્યગ્ર થઈ જતા. ખાસ કરીને જ્યારે રાત્રે એમ્બ્યુલન્સના અવાજ આવતા ત્યારે ખૂબ ભય લાગતો અને આખી રાત એ અવાજ કાનમાં ગુંજતો. આ અવાજથી બાળકો પણ ખૂબ ભયભીત થતા.
 
કિસ્સો: ૫ - ‘મારુ બાળક રાત્રે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળી ખૂબ ડરી જાય છે. એ બસ એક જ રટણ કરે કે તમને લોકોને તેમાં લઈ જશે તો હું શું કરીશ?’
 
૬.૦૧% લોકોને અંતિમયાત્રાના રથની ધૂન સાંભળી ભયનો અનુભવ થયો. એ ધૂન જ્યારે જ્યારે સાંભળવામાં આવી ત્યારે આખી રાત ઊંઘ ન આવી એવા કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા.
 
કિસ્સો: ૬ - ‘જ્યારે પણ મારા ઘર પાસે અંતિમયાત્રાના રથ નીકળે તો મારા બા ને ક્યાંય ચેન પડતું નથી. ત્યાં સુધી કે ઘરમાં જો કોઈ ભૂલથી કઈ ધૂન વિશે બોલે તો ખીજાય જાય અને વસ્તુ ના ઘા કરવા લાગે.’
 
અન્ય કારણો કે જેણે લોકોને ભયભીત કર્યા એ જોઈએ તો લોકોએ કરેલ વાત, સગા બીમાર પડ્યા તો પોતે પણ પડશે એવા વિચાર, ખોટી અફવાઓ વગેરે કારણે ૩.૩૩% લોકોને ભય અનુભવાયો. આમ જોઈએ તો કોરોના કરતા કોરોનાના ભય દ્વારા લોકો માનસિક ગડમથલ અને માનસિક રોગના ભોગ બન્યા છે.  
 
બીમારીઓ કે મહામારી કરતા તેનાં ભયને કારણે લોકોમાં કલ્પનાજન્ય માંદગી વિકસિત થઇ જતી હોય છે અને તે કલ્પના જન્ય માંદગી શારીરિક બીમારીઓ જેવા જ લક્ષણો ધરાવતી હોય છે. આ બીમારીનું કારણ શરીર નહીં પણ આપણું મન હોય છે, મનમાં રહેલા આવેગિક તણાવો,  સંઘર્ષ અને હતાશા વ્યક્તિને બીમાર પાડતા હોય છે પણ તેનો ઉપચાર મનોવૈજ્ઞાનિક રીતે કરવો જરૂરી હોય છે,  જો યોગ્ય કાઉન્સેલિંગ અને માવજતથી તેમની સાથે વ્યવહાર કરવામાં આવે તો આ કલ્પનાજન્ય માંદગી માંથી મુક્ત કરાવી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

DRDO DRDL Recruitment 2021 - જૂનિયર રિસર્ચ ફેલો પદ પર ભરતી