તહેવારો બાદ ફરી એકવારા કોરોનાએ રાજ્યમાં ફૂફાડો માર્યો છે. ધીમે ગતિએ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્રની ઊંઘ ઊડી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા. જેથી હવે કોરોનાના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બહારથી આવતા લોકો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. કારણ કે રાજ્યમાં કોરોનાના કપ્પા વેરિએન્ટનો કેસ મળી આવ્યો છે.
ગુજરાતમાં કપ્પા વેરિયન્ટના દર્દીઓ મળ્યા હોવા અંગે બી.જે.મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા આપેલી માહિતી સામે આવી છે. બી.જે.મેડિકલ કોલેજ દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પુના ખાતે મોકલાયેલા કેટલાક સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો છે. જીનોમ સિક્વન્સિંગ માટે પુના ખાતે આવેલી લેબમાં દર મહિને કેટલાક સેમ્પલ વેરિયન્ટની ચકાસણી માટે મોકલવામાં આવે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મોકલાયેલા સેમ્પલમાંથી ૫ જેટલા દર્દીઓના સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ હોવાની પુષ્ટિ થઈ હતી.
હિંમતનગર, દાહોદના દર્દીઓના મોકલાયેલા સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જાેવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં પુના ખાતે મોકલવામાં આવેલા સેમ્પલના પરિણામની રાહ જોવાઇ રહી છે. વેક્સીનના કારણે કોરોના વાયરસની ઘાતકતા પણ ઘટી, સંક્રમણના દર પર નિયંત્રણ મેળવી શકાયું છે.
અમદાવાદમાં પણ કોરોના માથુ ઊંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ૪ મહિના બાદ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે. ચાંદખેડાની સાંપદ રેસિડન્સીનો ૫ બ્લોક માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાયો છે. એક જ પરિવારના ૭ સભ્યો સંક્રમિત થતા તંત્ર એક્શનમાં આવી ગયુ છે. દિવાળીની રજાઓમાં પરિવાર રાજસ્થાન ફરવા જતા સંક્રમિત થયો છે.
સાવચેતીના ભાગરૂપે એએમસી એ બ્લોકના ૨૦ મકાનમાં રહેતા ૭૬ લોકોને માઈક્રો કન્ટેઈમેન્ટમાં મૂક્યા છે. આગામી એક અઠવાડિયો અમદાવાદમાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાવચેતી રાખવા તજજ્ઞો સતત અપીલ કરી રહ્યા છે. સંક્રમણ વધે તો આગામી સમયમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થઈ શકે છે.
કોરોનાના કેસ વધતા ગુજરાતમાં ફરી એક વખત ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવામાં આવ્યું છે. વિવિધ શહેરોમાં ટેસ્ટિંગ માટે ડોભ શરૂ કરવામાં આવી રહ્યા છે. તો રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર આવતા લકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાના કેસ નોંધાતા અલગ અલગ વિસ્તાને કેન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ મૂકવામાં આવી રહ્યા છે. સાથે જ અમદાવાદમાં જાહેર સ્થળો પર પ્રવેશ માટે રસીના બે ડોઝ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોરોનાને હરાવવા ગાઈડલાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી બની ગયું છે.