અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચાર ગણા ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે શહેરની 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરાયાં છે. એમાં હોસ્પિટલમાં કુલ 234 દર્દી અને 20 દર્દી કોવિડ સેન્ટરમાં દાખલ છે, જેમાં સાત દર્દી વેન્ટિલેટર પર છે. હવે દર બે દિવસે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે સારી બાબત એ છે કે માત્ર આઇસોલેશનના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 10 જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 6 ટકાનો વધારો થયો છે.
28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કેસો હવે 10000ની નજીક પહોંચ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા હવે ધીરે ધીરે વધી છે, જેમાં આઇસોલેશન બેડમાં દાખલ થનારા દર્દીઓ વધુ છે. 10 દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 6 ટકા વધારો નોંધાયો છે. 57માંથી 28 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 31, એસજી હાઇવે પર આવેલી SGVP હોસ્પિટલમાં વધુ દર્દીઓ દાખલ છે. મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલ, કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સહિત 4 હોસ્પિટલમાં 1-1 દર્દી વેન્ટિલેટર પર છે.
આજની સ્થિતિએ અમદાવાદના 57 ખાનગી હોસ્પિટલ અને 3 ખાનગી કોવિડ સેન્ટરમાં 9 ટકા બેડ ભરેલાં છે અને 91 ટકા બેડ ખાલી છે, જેમાં કુલ 2885 બેડમાંથી 254 બેડ ભરાયાં છે અને 2631 બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલો- કોવિડ સેન્ટરમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં કુલ 1050 બેડમાંથી 156 બેડ ભરાયાં છે અને 894 બેડ ખાલી છે. HDUના 1085 બેડમાંથી 75 બેડ ભરાયાં છે અને 1010 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 517 બેડમાંથી 16 બેડ ભરાયાં છે અને 501 બેડ ખાલી રહ્યાં છે તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 233 બેડમાંથી માત્ર 7 બેડ ભરાયાં છે અને 226 બેડ હાલમાં ખાલી પડ્યાં છે.
બીજી બાજુ રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બદલાતા હવામાનની અસરથી શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ તમામ પ્રકારના લક્ષણો એજ છે.જે કોરોનાના હોય છે.. તેવામાં સાવચેતીના ભાગરૂપે અને પોતાની અંદર રહેલા ડરને દૂર કરવા માટે લોકો મોટી સંખ્યામાં કોરોના હોમ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરતા થયા છે.પરંતુ હોમ ટેસ્ટિંગ કિટ હવે સરકાર માટે જ માથાનો દુખાવો બની ગઈ છે.કારણ કે, જે લોકો હોમ ટેસ્ટિંગ કિટથી ટેસ્ટિંગ કરી રહ્યા છે.તેવા લોકો પોઝિટિવ આવ્યા બાદ પણ તેની નોંધ સરકારમાં નથી કરાવી રહ્યા.. સરકારે આ માટે ખાસ એપ પણ બનાવી છે.. પરંતુ તેમાં નોંધણી કરાવવાથી લોકો દૂર ભાગી રહ્યા છે.બીજી તરફ ચિંતાની બાબત એ છે કે, છેલ્લા એક મહિનામાં જ રાજ્યમાં મેડકિલ શોપ પરથી 80 થી 90 ટકા જેટલી કોરોના સંબંધીત દવાઓ અને સામગ્રીઓનું વેચાણ પણ વધ્યું છે