Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 1415 કેસ નોંધાયા, 4ના મોત

અમદાવાદ-સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, આજે નવા 1415 કેસ નોંધાયા, 4ના મોત
, શુક્રવાર, 19 માર્ચ 2021 (21:43 IST)
દેશમાં કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગઢમાં જ છે. છેલ્લા 24 કલાકમાં 39,726 નવા કેસોનો એક દિવસીય વધારો નોંધાયો છે.
 
ત્યારે આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં કુલ 1415 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 948 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 335, સુરત કોર્પોરેશનમાં 349, વડોદરા કોર્પોરેશનમાં 127 અને રાજકોટ કોર્પોરેશનમાં 115 કેસ નોંધાયા હતા. 
 
જ્યારે અમદાવાદમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 1 અને સુરેંદ્રનગરમાં 1 એમ કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,83,864 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,73,280 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,437 પર પહોંચ્યો છે.
 
રાજ્યમાં તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 રસીકરણ દ્વારા વધુમાં વધુ લાભાર્થીઓને સમય-મર્યાદામાં આવરી લેવાય તે હેતુસર તમામ મહાનગરપાલિકામાં કોવિડ-19 વેક્સીનેશન માટે ગાઇડ લાઇન મુજબ વધુમાં વધુ સેશનનું આયોજન કરવામાં આવશે. કોવિડ વેક્સીનેશન સેન્ટર ખાતે રાત્રિના 9.30 વાગ્યા સુધી કોવિડ રસીકરણ કરવામાં આવશે.
 
અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84,482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 32,26,387 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
 
રાજ્યમાં કોવિડ-19 ના 1415 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 948 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.27 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,73,280 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6147 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 67 છે. જ્યારે 6080 લોકો સ્ટેબલ છે. 2,73,280 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,437 લોકોનાં મોત નિપજ્યા છે.
 
અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી 30,611 સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરાયા છે. જેમાં સાણંદ તાલુકો અગ્રેસર છે. આ તાલુકામાં 6,316 સિનિયર સિટિઝનને રસી આપવામાં આવી છે.
 
ગુજરાતમાં કોરોનાએ ધીમે ધીમે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઇપણ ભોગે કોરોના પર કાબૂ મેળવવા માટે કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સુરતમાં અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કર્યો હતો જેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી એટલે કે શુક્રવારથી રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નિકળી શકાશે નહીં. 
 
આ ઉપરાંત શનિવારે અને રવિવારેના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. જેથી કરીને કામ વિના લોકોની ભીડ જામે નહી. આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી મીટીંગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વના નિર્ણયો લીધા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ જિલ્લામાં 30 હજારથી વધુ સિનિયર સિટિઝનને રસી અપાઈ