ગુજરાતમાં એક જ સપ્તાહમાં 89% કોરોના કેસ વધ્યા, હવે ચોથી લહેરના ભણકારા
, મંગળવાર, 12 એપ્રિલ 2022 (11:09 IST)
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ડરાવવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ગુજરાતમાં 89%, હરિયાણામાં 50% અને દિલ્હીમાં 26% સુધી વધ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં એક વ્યક્તિ XE વેરિએન્ટથી સંક્રમિત થયાની જાણકારી મળી છે. એવામાં ફરીવાર દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા સંભળાવા લાગ્યા છે.
કેન્દ્રએ પણ ચીન અને અમેરિકામાં વધતા કોવિડના કેસો વચ્ચે 5 રાજ્યોને ચેતવણી જારી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત સપ્તાહમાં 61 કેસો આવ્યા છે. જ્યારે આ સપ્તાહે 115 કેસો પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ રાજ્યમાં ગત રોજ કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે.
રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 148 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટીલેટર પર નથી. જ્યારે 148 દર્દી સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,992 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો ગાંધીનગર કોર્પોરેશન 18, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અને વડોદરા કોર્પોરેશન 4, ગાંધીનગર, જામનગર, કચ્છ અને મહેસાણામાં 1-1 નાગરિકના કેસ પોઝિટિવ આવ્યા છે.
06 એપ્રિલ 09
07 એપ્રિલ 08
08 એપ્રિલ 20
09 એપ્રિલ 34
10 એપ્રિલ 22
આગળનો લેખ