Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેનેડા જતા 26 લોકો સાથે ઠગાઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી

કેનેડા જતા 26 લોકો સાથે ઠગાઈ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી
, સોમવાર, 17 જુલાઈ 2023 (14:00 IST)
- વધુ એક છેતરપિંડીનું નેટવર્ક 
- કેનેડા હાઈકમિશન તરફી આવેલા એક ઈમેલ બાદ થયેલી તપાસમાં ભાંડો ફૂટ્યો
- ગ્રાહકોના બાયોમેટ્રીક મેળવવા કંપનીના હાલના કર્મચારીઓની મદદથી આ ઠગાઈ આરચાઈ
 
અમદાવાદઃ હાલમાં ગેરકાયદે અમેરિકા જવામાં કેટલાક ગુજરાતીઓ ગુમ થયા હોવાનો મામલો ચર્ચામાં છે. ત્યારે વિદેશ મોકલવા માટેનું વધુ એક છેતરપિંડીનું નેટવર્ક પકડાયું છે. કેનેડા જવા ઈચ્છતા 26 લોકો સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાયમેટ્રિક લેટરપેડ બનાવીને ઠગાઈ આચરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાંચને જાણવા મળતાં કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડા હાઈકમિશન તરફથી માહિતી મળતાં જ આ મામલો સામે આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને VFS ઓફિસ ના ચાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
 
VFS ઓફીસે કેનેડા હાઇકમિશન તરફથી એક ઈ-મેલ મળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં રહેતા વ્યોમેશ ઠાકરે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. તેઓ છેલ્લા સાડા ચારેક વર્ષથી VFS ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડ  ખાતે ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. વ્યોમેશ ઠાકરે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 5 જુલાઈએ અમદાવાદ ખાતેની VFS ઓફીસે કેનેડા હાઇકમિશન તરફથી એક ઈ-મેલ મળ્યો હતો. જેમા એવી રજુઆત કરાઈ હતી કે, કુલ 28 વ્યક્તિઓના બાયોમેટ્રીક અમદાવાદ ખાતેની વિઝા એપ્લીકેશન સેન્ટર ખાતેથી રજુ થયા છે. પરંતુ તેઓના એપોઈન્ટમેન્ટ લેટરો ઈશ્યુ નહીં થયા હોવાથી તેની તપાસ કરવા જણાવ્યું હતું. જેથી તેમણે કંપનીના ઓપરેશન મેનેજર દ્વારા અમદાવાદ ખાતેના VFS સેન્ટરના ડેટાબેઝમાં 28 વ્યક્તિઓના જરૂરી બાયોમેટ્રીક થયેલ છે તે બાબતે તપાસ કરતા આવા કોઈ નામો ડેટાબેઝમાં મળેલ ન હતા. 
 
જુદા જુદા સમયે અને તારીખે 28 વ્યક્તિઓના બાયોમેટ્રીક આપ્યા
વ્યોમેશ ઠાકરને જે તે વખતે શક થયો હતો કે કોઈ VFSના કર્મચારીઓએ કંપનીની જાણ બહાર આ રીતે ગ્રાહકોના બાયોમેટ્રીક મેળવી કેનેડા હાઈકિમશનની વેબસાઈટ ઉપર સબમીટ કરેલ હશે. જેથી આ બાબતે વ્યોમેશ ઠાકરે વધુ તપાસ કરતા VFSના સી.સી.ટી.વી કુટેજ ચેક કરતા કેટલાક લોકો વગર એપોઈન્ટમેન્ટે  VFS સેન્ટરમાં પ્રવેશી બાયોમેટ્રીક આપતા હોવાનુ જણાઈ આવ્યું હતું. તેમની સાથે અમદાવાદ ખાતેના VFS સેન્ટરના કર્મચારી મેલ્વીન ક્રીસ્ટી, સોહીલ સલીમભાઇ દિવાને  કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ મારફતે જુદા જુદા સમયે અને તારીખે 28 વ્યક્તિઓના બાયોમેટ્રીક આપ્યા હોવાનુ માલુમ પડ્યું હતું. 
 
કંપનીનો કર્મચારી ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂપિયા લેતો ઝડપાયો
ત્યાર બાદ તેમણે આ કર્મચારીઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે કંપનીના ભુતપુર્વ VFS કર્મચારી મેહુલ ભરવાડે ટ્રાવેલ એજન્ટની મીલીભગતથી જે વ્યક્તિઓના એપોઈન્ટમેન્ટ લેટરો ઈશ્યુ થયેલ ન હોય તેવા ગ્રાહકોના બાયોમેટ્રીક મેળવવા કંપનીના હાલના કર્મચારીઓની મદદથી આ કૃત્ય કર્યું છે. આ કામ માટે કંપનીનો કર્મચારી મેલ્વીન ક્રિષ્ટી ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂપિયા લેતા CCTVમાં ઝડપાયો છે. વધુ તપાસ કરતા જે 28 નામો કેનેડા હાઈકમિશનમાંથી આવેલ તે પૈકી બે વ્યક્તિઓના બાયોમેટ્રીક પછીના સ્ટેજમાં તેઓનો પાસપોર્ટ રજુ કરવાનો થતો હોય જે પાસપોર્ટ પણ રજુ કરવામાં સફળ થયેલ છે જેની એન્ટ્રી VFSસેન્ટરના ડેટાબેજમાં પણ છે. જેથી ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને VFS કંપનીના ચાર કર્મચારીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘાસ કાપવાની કટરથી મહિલાની હત્યા