Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના નગરો-મહાનગરોમાં પાણી-ભૂગર્ભ ગટર વ્યવસ્થાના વિવિધ કામો માટે કેન્દ્ર સરકારે રૂ.5128 કરોડ મંજૂર કર્યા

ગુજરાતના નગરો-મહાનગરોમાં પાણી-ભૂગર્ભ ગટર વ્યવસ્થાના વિવિધ કામો માટે કેન્દ્ર સરકારે રૂ.5128 કરોડ મંજૂર કર્યા
, સોમવાર, 16 મે 2022 (15:48 IST)
દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત 2.0 મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. 5128 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે. 
 
ગુજરાત શહેરી વિકાસ મિશન GUDM દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે. સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્ષ કમિટી સમક્ષ તાજેતરમાં રજુ કરી હતી.
 
એપેક્ષ કમિટીએ GUDMની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 412 કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. 5128 કરોડની રકમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરશે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર-2021માં પાંચ વર્ષ માટે લોન્ચ કરેલી અમૃત-2.0 યોજના અન્વયે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોંચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર રૂપિયા 15 હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ૩ તબક્કામાં હાથ ધરવાનું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજની મોટાભાગની કામગીરી પૂર્ણ, આગામી મહિને PM મોદી ઉદ્ઘાટન કરી શકે છે