ઉત્તર ગુજરાત યાત્રા શરુ કરતાં પૂર્વે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ઉમેદવારોને બોલાવી હિંમત ન હારશો અને ટિકિટ જોઇતી હોય તો કામ કરો તેવો ઉપદેશ આપ્યો. આ રીતે પાર્ટીના પૂર્વ ધારાસભ્યોને યાદ કરનારા પાટીલને પાર્ટીના જ વર્તમાન ધારાસભ્યનો કોઇ ખ્યાલ નથી તેવું સાબિત થયું.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ધારાસભ્યોના નામ પણ પાટીલને ખ્યાલ ન હોય તેવા વીડિયો વાઇરલ થયાં છે. ગુરુવારે ઉત્તર ગુજરાતના પાલનપુરમાં કરેલી કાર્યકર્તા બેઠકમાં તેમણે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના નામની પણ ખબર ન હતી એટલે તેમને ઓળખતા જ ન હતા. પ્રાસંગિક સંબોધનના પ્રારંભમાં લેવાતા નામો દરમિયાન તેમને સ્ટેજ પર બેઠેલા મહામંત્રી કે સી પટેલે નામો જણાવ્યા હતા. એટલું જ નહીં, પોતે પ્રમુખ છે અને તેમની જ ટીમના ઉપપ્રમુખ અને ભાજપના વર્ષો જૂના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિનું નામ પણ પાટીલને બીજાએ જ ચાલું સભામાં મોટેથી જણાવ્યું ત્યારે પાછળ પાછળ પાટીલે તેમનું નામ લીધું હતું.