Vavna Congress MLA, MLA Ganiben Thakor, brother of Ganiben Thakor caught with liquor
LCB ઘણા સમયથી દારૂની લાઇનો ચલાવે છે જેમાં અમે નડતરરૂપ હોવાથી કોઇને કોઇ રીતે દબાવવાના પ્રયત્નો કરે છે: ગેનીબેન ઠાકોર
બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દારૂબંધીને લઈને આક્રમક થતાં અનેક વખત જોવા મળ્યાં છે. તેમણે પોતાના વિસ્તારમાં જનતા રેડ કરીને દારૂના અડ્ડાઓ ઝડપ્યાં છે. જો કે આજે તેમનો સગો ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં મળતાં પોલીસે તેની અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેને લઈને બનાસકાંઠામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ઘરમાંથી દારૂની 4 બોટલ જપ્ત કરવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે LCBને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCBએ રેડ પાડી હતી, જેમાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મળી આવતાં પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે દિયોદર DySPએ મીડિયાને જણાવ્યું હતું કે ભાભરના અબાસણા ગામમાં પ્રહલાદ ઠાકોર દારૂનો વેપલો કરતો હોવાની LCBને બાતમી મળતાં LCBએ રેડ કરી હતી. જોકે પ્રહલાદ ઠાકોર ઘરે હાજર નહોતો, તેના ઘરમાંથી દારૂની 4 બોટલ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે આ ઘરની બાજુમાં પતરાંવાળી દુકાનમાં ચેક કરતાં રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે.
એલ.સી.બી ઘણા સમયથી દારૂની લાઇનો ચલાવે છેઃ ગેનીબેન
વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, બનાસકાંઠા એલ.સી.બી ઘણા સમયથી દારૂની લાઇનો ચલાવે છે. એમાં અમે નડતરરૂપ હોવાથી કોઇને કોઇ રીતે દબાવવાના પ્રયત્નો છે. પહેલાં અમારા આગેવાન ઉપર પાસાના કાગળો કર્યા એમાં પણ એમનો મનસુબો પાર ન પડ્યો. ભૂતકાળમાં અમે રેડો પાડી એમાં પણ અમારા પર કેસો દાખલ કરવામાં આવ્યા.જેમાં અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો. વર્તમાન સમયમાં ડી.આર ગઢવી જેનું એલ.સી.બીમાં કોઇ પોસ્ટિંગ થયેલું નથી. પણ માત્ર એસ.પીનો માનીતો હોવાથી દારૂની લાઇનો ચલાવવા આ કાવતરાં કરી રહ્યાં છે.