ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. એક બાદ એક આવતી આફતો સામે ખેડૂતો અને પશુપાલકો ઝઝૂમી રહ્યાં છે. મોટાભાગે પશુપાલન પર નભતા જિલ્લાના પશુઓમાં લમ્પી બાદ હવે ખરવા રોગે ભરડો લીધો છે. જેમાં ગામ દીઠ એક 300 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા હોવાનો પશુપાલકો દાવો કરી રહ્યાં છે. બીજી તરફ આ ઘટનાની જાણ અધિકારીઓને થતાં છેક ગાંધીનગર અને અમદાવાદથી અધિકારીઓ દોડી ગયાં છે. તંત્રએ હવે પશુઓમાં વેક્સિન આપવાની શરૂઆત કરી છે. તેમજ અત્યાર સુધીમાં કેટલા પશુઓ મૃત્યુ પામ્યા તેની જાણકારી મેળવવાની કામગીરી આરંભી છે.
એક જ દિવસમાં 600 જેટલા પશુઓને વેક્સિન અપાઈ
બનાસકાંઠાના થરાદના ઝેટા ગામે ખરવા રોગના કારણે ગામમાં પશુપાલકોના 300થી વધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોએ દાવો કરતા પશુ નિયામક વિભાગ ગાંધીનગર સંયુક્ત નિયામક વિભાગીય અમદાવાદ તેમજ બનાસકાંઠા પશુ પાલક નિયામક અધિકારીએ ઝેટા ગામની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તાત્કાલિક અલગ અલગ ટીમો દ્વારા રોગચાળો કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે અને બીમાર પશુઓની ઇમરજન્સી સારવાર થાય તે માટે સારવાર ચાલુ કરાઇ છે. ખરવા રોગ નાબૂદ થાય તે માટે બનાસકાંઠામાં ખરવા રોગની વેક્સિન આપવાની શરૂ કરવામાં આવી છે. એક જ દિવસમાં બનાસકાંઠામાં 65 હજાર જેટલા ખરવા રોગના ડોઝનો સપ્લાય કરવામાં આવ્યો હતો સાથે જ ઝેટા ગામે અધિકારીઓ દ્વારા એક જ દિવસમાં 600 જેટલા પશુઓને ખરવા રોગની વેક્સિન આપવામાં આવી હતી.
સ્થળ મુલાકાત બાદ અધિકારી શું કહે છે
ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓ દ્વારા થરાદના ઝેટા ગામની મુલાકાત લેવામાં આવી હતી. પશુ પાલકો સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે બનાસકાંઠાના ગામડાઓમાં એક જ દિવસમાં 65 હજાર ખરવા રોગના ડોઝનો સપ્લાય કરવામાં આવ્યો છે.ઝેટા ગામમાં એક જ દિવસમાં 600 પશુઓને વેક્સિન અપાઈ છે હવે ત્યાંની પરિસ્થિતિ સારી છે પશુ પાલકોએ ખાસ કાળજી રાખવાની છે. તેઓ પશુઓને ખેરવા રોગની વેક્સિન અપાવે. પશુપાલકોનું કહેવું છે કે,
અમારા ગામમાં 300 જેટલા પશુઓના ખરવા રોગના કારણે મૃત્યુ થયા છે.
પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગના લક્ષણો
ખરવા-મોવાસા પિકોર્ના જાતિના વાયરસથી થતો રોગ છે. વાયરસમાં એપીથેલીયોટ્રોપીક હોવાથી તમામ પશુના એપીથેલીયલ કોષો એટલે કે જીભ, ચામડી, અન્નનળી, આંતરડાંમાં રહે છે અને વૃધ્ધિ પામે છે. વાયરસ રોગિષ્ટ પશુની લાળ અને અન્ય સ્ત્રાવોમાં જોવા મળે છે. રોગની શરૂઆતમાં પશુને 103થી 105 ડિગ્રી ફેરેનહીટ તાવ આવે છે. જેને લઇ પશુઓના મોંઢામાંથી ખૂબ લાળ પડવાની સાથે બેથી ત્રણ દિવસમાં જીભ પર, તાળવા પર, હોઠના અંદરના ભાગે ફોલ્લા પડી ચાંદા પડે છે. કેટલીક વાર પગની ખરીમાં પણ ચાંદા પડે છે. જેને લઇ દૂધાળા પશુઓની 25 ટકા દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. કેટલાક કિસ્સામાં તો પશુ મરણ થતાં હોઇ પશુપાલકોને નુકશાન વેઠવાનો વારો આવે છે.