ભાજપ સૈનિક ફોર્મનો વિવાદ ચર્ચાએ ચડ્યો : ઉપર લખાયું 'ન જ્ઞાતિવાદ', નીચે SC/ST/OBCની માહિતી મંગાઈ

શુક્રવાર, 15 માર્ચ 2019 (14:56 IST)
લોકસભાની ચૂંટણી સમયે ભાજપ તરફથી બહાર પાડવામાં આવેલા "ભાજપ સૈનિક"ના ફોર્મ ગાંધીનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. "ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ"ના બેનર હેઠળ આ ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જોકે, આ ફોર્મને લઈને ભાજપની બેવડી નીતિ સામે આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. કારણ કે ફોર્મની અંદર "ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ"નું સૂત્ર હોવા છતાં અંદર SC/ST/OBC/OTHની માહિતી માંગવામાં આવી છે.
ફોર્મના સૌથી ઉપરના ભાગમાં "ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ"નું સૂત્રો લખવામાં આવ્યું છે. ઉપરના ભાગે મધ્યમાં વંદે માતરમ્ અને ભારતીય જનતા પાર્ટી લખવામાં આવ્યું છે તેમજ બંને તરફ કમળનું ચિન્હ છે. તેની નીચે ગાંધીનગર મહાનગર અને સૌનો સાથે સૌનો વિકાસ એવું લખવામાં આવ્યું છે. તેની બિલકુલ નીચે ફોટો ચોટાડવા માટેનું બોક્સ આપવામાં આવ્યું છે. આ બોક્સમાં સૂચના લખવામાં આવી છે કે બે ફોટોગ્રાફ આપવા ફરજિયાત છે, જેમાંથી એક ફોટોગ્રાફ પર નામ અને સરનામું લખવું ફરજિયાત છે. તેની નીચે લાલ બોક્સમાં સફેદ રંગથી "ભાજપ સૈનિક" એવું લખવામાં આવ્યું છે.
ફોર્મના નીચેના ભાગમાં લખવામાં આવ્યું છે કે, ફોર્મમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવો ફરજિયાત છે. બાદમાં લખવામાં આવ્યું છે કે, "હું ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાનું સમર્થન કરું છું અને ગુજરાતને મહાત્મા ગાંધી, પંડિત દિનદયાળજી અને સરદાર પટેલના ચીંધેલા પ્રગતિના પથ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ છું." ફોર્મના અંતે "ફીર એકબાર મોદી સરકાર"નું સૂત્ર લખવામાં આવ્યું છે. ભાજપ સૈનિક ફોર્મમાં નામ, ઉમેદવાર SC/ST/OBC કે પછી OTH છે તેની વિગત, પુરુ સરનામું, સેક્ટર/ગામનું નામ, વોર્ડ, મોબાઇલ નંબર, ઇમેઇલ, ઉંમર, જન્મ તારીખ, અભ્યાસ, ભાજપમાં કેટલા વર્ષથી સક્રિય/સામાન્ય કાર્યકર્તા છો અને ભાજપમાં શું જવાબદારી નિભાવી રહ્યા છો તેની વિગતો માંગવામાં આવી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ લોકસભાની ચૂંટણી 2019- લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરથી અમિત શાહ અથવા આનંદીબેન ચૂંટણી લડે તેવી શક્યતાઓ