પાટીદાર મતદારો ભાજપની વોટબેન્ક ગણાય છે પણ આ વખતે પરિસ્થિતી કઇંક અલગ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનામતના મામલે વિરોધ સર્જાતાં પાટીદારો મતદારોમાં ભાગલાં પડે તેવી દશા છે. એટલુ જ નહીં, પાટીદાર આંદોલનકારી અને પાટીદાર ધાર્મિક સંસ્થાના આગેવાનો અત્યારે આમને સામને આવ્યાં છ.હવે વિધાનસભાની ચૂંટણીમાં પટેલ મતદારો કોની તરફ ઢળે છે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે.
સૂત્રોના મતે,ભાજપની વોટબેન્ક ગણાતા પાટીદાર મતદારોમાં ઉભા ફાચડાં પડયાં છે. અનામતના પ્રકરણ બાદ પાટીદારો ભાજપથી મોં ફેરવીને બેઠાં છે. આ તરફ, ભાજપ સરકારે પણ ગુજરાત સવર્ણ આયોગ બનાવીને પાટીદારોને મનાવવા પ્રયાસ કર્યો છે. પાટીદારો પરના પોલીસ કેસો પાછા ખેંચવાની શરૃઆત કરી દીધી છે. પાટીદાર કોર કમિટીના અધ્યક્ષ સી.કે.પટેલે કહ્યું કે, ગઇકાલે જ કોર કમિટીની સરકાર સાથે બેઠક થઇ જેમાં સકારાત્મક વાતચીત થઇ છે. પાટીદાર સમાજના હિતના મુદદાઓ સ્વિકારાયા છે. કોર કમિટી સમાજ-સરકાર વચ્ચે સેતુનું કામ કરશે. બીજી તરફ,હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણીને પગલે સરકારે કસો પાછા ખેંચ્યા છે. પાટીદારો પર થયેલાં જૂલમ ભૂલી શકાય નહીં. પાટીદારો પાઠ ભણાવીને જ રહેશે. ખોડલધામમાં પાટીદાર આગેવાન નરેશ પટેલે બેઠક બોલાવી પાટીદાર સમાજમાં ચૂંટણીને લઇને વૈમનસ્ય ન ઉભુ થાય તે માટે અપીલ કરી છે. અત્યારથી પરિસ્થિતી જોતાં લાગે છેકે, પાટીદારોમાં ચાર ચોકામાં વહેંચાયા છે જેના લીધે પાટીદારો મતો વહેંચાશે. પાટીદાર મતો વહેંચાય તો,ભાજપને નુકશાન વેઠવુ પડે જયારે કોંગ્રેસને તો નફો એટલો વકરો છે. હાલમાં તો ભાજપ અને કોંગ્રેસે પાટીદાર મતો અંકે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. બંન્ને રાજકીય પક્ષોએ પાટીદાર કાર્ડ ખેલવાનુ નક્કી કર્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોની તરફેણ કરશે, કોને રાજકીય સબક શિખવાડશે તે હવે જોવાનું રહ્યું .