સુપ્રીમ કોર્ટે આજે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. આમ રાજ્યસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે. હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. આ પહેલા પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. પબુભા માણેકનો દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6943 મતથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે એપ્રિલ 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરી દીધી હતી. આમ તેમનું ધારાસભ્ય પદ ગયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી દાવો કર્યો હતો કે, પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે. જેને લઇ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. જેને પગલે મેરામણ ગોરિયાએ વકીલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જે ફોર્મ ભર્યુ હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઇ વિધાનસભા લડવા માગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પર ચૂંટણી લડી શક્યા હતા.