Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટના પડધરીમાં મહિલાને બાળક સારું જન્મશે કહી ભૂવાએ 1.30 લાખ પડાવ્યા, બાળક જન્મ્યુ ખોડખાપણ વાળુ

news of gujarat
, ગુરુવાર, 27 એપ્રિલ 2023 (14:42 IST)
આજના યુગમાં પણ અંધશ્રદ્ધામાં લોકો માની રહ્યાં છે. ત્યારે રાજકોટના પડધરીના ન્યારા ગામે અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભુવાએ ગર્ભમાં રહેલું ખોડખાપણવાળું બાળક સારૂ જન્મશે કહી વિધિનાં નામે રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં ડોક્ટરોના કહેવા મુજબ ખોડખાપણવાળું બાળક જન્મ્યા બાદ પણ તે જલ્દી સારું થઈ જશે કહી વિધિના નામે ભુવાએ કટકે કટકે રૂપિયા 1.30 લાખ વસૂલ્યા હતા.આ મામલે ભોગ બનનારએ વિજ્ઞાનજાથાનો સંપર્ક કર્યા બાદ પડધરી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.

આ ભુવો વિધિ કરતો હોવાના વીડિયો પણ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સમગ્ર મામલે વિજ્ઞાનજાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. બકુલભાઇ હસમુખભાઇ ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્નના એક વર્ષ બાદ મારે કોઈ સંતાન નહીં થતા મારા અને પત્નીના રિપોર્ટ કરાવ્યા હતા. જે નોર્મલ આવવા છતાં બાળક નહીં રહેતા અલગ અલગ ડોક્ટર્સની દવાઓ કરી હતી.જેમાં વર્ષ 2021માં પ્રભુકૃપા હોસ્પિટલ ખાતેથી દવા લીધાનાં થોડા મહિનાઓ બાદ મારી પત્નીને ગર્ભમા બાળક રહ્યું હતું. જો કે, પ્રભુકુપા હોસ્પિટલના ડોક્ટર જગુનુબેને મારી પત્નીની સોનોગ્રાફી કરાવી ગર્ભમાં રહેલી આ બાળક ખોડખાપણવાળું હોવાનું જણાવ્યું હતું અને ગર્ભપાતની સલાહ આપી હતી.

મેં તથા મારી પત્નીએ નક્કી કર્યું હતું કે, ઘણા વર્ષે બાળક રહ્યું હોવાથી ગર્ભપાત કરાવવો નથી. ત્યારબાદ અમે પડધરીના સારાગામ ખાતે એક ભુવા મોહનભાઇ ઉર્ફે મહેન્દ્રભાઈ મુછડિયાનો સંપર્ક કર્યો હતો અને તેમણે કહ્યું કે, ડોક્ટરની વાતમાં પડતા નહીં, તમારું બાળક સારૂ છે.15 દિવસ પછી મારા ફોનમાં આ ભુવાનો ફોન આવ્યો અને મને કહ્યું કે, તમારી પત્ની ઉપર કોઈએ મેલુ કર્યું છે. તમે અહીં આવો હું બધું સરખું કરી આપીશ અને તેમની પાસે જતા વિધિના નામે રૂ.50,000 લીધા હતા. પત્નીની સોનોગ્રાફી બાદ ડોક્ટર બીંદુ પટેલ તથા પાર્થ પટેલે પણ બાળક ખોડખાપણવાળું છે તેમ કહ્યું હતું અને ગર્ભપાતની સલાહ આપી હતી.એ પછી પણ દીકરો 4 માસનો થયો ત્યારે ભુવાએ દાણા જોવા અને વિધિના નામે વધુ 50,000 લીધા હતા.અમારો દીકરો 1 વર્ષનો થવા છતાં તેની તબિયતમાં કોઈ સુધારો નહીં આવતા ફરી ભુવાનો સંપર્ક કરતા તેણે કહ્યું હતું કે, તારા એક લાખ રૂપિયા હું તને આપી દઇશ અને ખોટી વાઇડાઇ ના કરતો નહીંતર હું દાણા જોઇ તને હેરાન કરી નાખીશ, તારા લીધેલા રૂપિયા તને મળી જશે. આ પછી 20 એપ્રિલે રૈયા ચોકડી પાસેની વિજ્ઞાન જાથાની ઓફિસે સંપર્ક કરી ચેરમેન ડો.જયંત પંડ્યાની સલાહથી આ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ભુવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahila Samman Saving Certificate- મહિલાઓ માટે મોદી સરકારની ખાસ યોજના