મુકેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે ૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં સુભાષ પાલેકરજી દ્રારા આયોજીત પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું નવું માર્ગદર્શન મેળવી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ લીધો હતો.
રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અળસિયા અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે જમીન કોઠણ થઈ અને પાણી શોષવાની ક્ષમતા ઘટી ગઈ છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધુ, ખેતીમાં રોગ પણ વધુ આવે છે. રાસાયણિક ખેતીમાં તેઓ કપાસ, ઘઉં, મગફળી, બટાકા જેવા પાકો કરતા હતા. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ઓછો થયો છે ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્વનું કે પાણીની ઓછી થવા લાગી છે.
તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે જમીન પોચી બને છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તેઓ ૧૦૦% ડ્રીપ ઇરીગેશનથી જ ખેતી કરે છે. છોડને ભેજની જરૂર છે પાણીની નહીં, જેથી પાણીનો બચાવ થાય છે.
મુકેશભાઈ વધુમાં જણાવે છે કે, તેઓ હાલમાં તેમની ખેતીની જમીનમાં મિશ્ર પાકો જેવા કે હળદર, આદુ, તુવેર, મરચી, કપાસ એક સાથે કરે છે. બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા,પરવર સાથે કર્યા છે. જેથી ઉત્પાદન એક પછી એક ચાલુ જ રહે અને એક પાકની સિઝન પૂરી થતાં સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી આવક ચાલુ જ રહે છે. તેમજ દ્વિદલ વનસ્પતિના કારણે પાકને જરૂરી નાઇટ્રોજન મળે છે જેથી બહારથી આર્ટિફિશિયલ નાઇટ્રોજન આપવાની જરૂર રહેતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે કુલ ૧૦ દેશી ગાય છે. ગાયના ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાશનો ઉપયોગ કરે છે. ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરે છે જેથી જમીન પોચી અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધ્યું, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી, જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધ્યો છે. પાણીની જરૂર ઓછી થઈ ગઈ છે, પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદાશોનું મૂલ્ય વર્ધન કરી જાતે જ માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. જેમાં ઘઉં, ચણા, બટાકા, મગફળી, હળદર, વગેરે પાકોનું તેઓ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે.
મુકેશભાઇએ પાછલા વર્ષે દોઢ વિધા જમિનમાંથી ૩.૧૫ લાખના પરવરનું વેચાણ કર્યું હતું. સાથે ૮૫ હજારની કોબીજ, ૭૦ હજારના બટાકા તેમજ મગફળીમાંથી તેલનું મૂલ્ય વર્ધન કર્યું હતું. હળદળનું મૂલ્યવર્ધન કરી ૩૦૦ રૂ. કિલોના ભાવે વેચાણ કરે છે.
આગળ તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ કેમિકલ આધારિત ખેતી કરતા હતા ત્યારે તેમની આવક ૫ લાખ થતી જેમાં ખર્ચ ૧.૮૦ લાખ અને નફો ૩.૨૦ લાખ જેવો મળતો હતો. જ્યારે પ્રાકૃતિક ખેતી જેમાં ખર્ચ માત્ર મજૂરીનો થાય છે. બીજા કોઈ પણ ખાતરો કે દવાઓ બહારથી લાવવાના હોતા નથી તેથી તેમની આવકમાં વધારો થયો છે. તેમને ૭.૫૦ લાખની આવક થઈ છે જેની સામે મજૂરી અને ખેડામણ માટે ૯૫ હજાર જેવો ખર્ચ થયો છે જેથી નફાનું પ્રમાણ વધી ૬.૫૫ લાખ થયું હતું.