બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં તીડનો આતંકઃ ખેડૂતોના પાકની કપરી સ્થિતી
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (16:40 IST)
ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા અને હવે તીડનો આતંક ખેડૂતોના ઉભા પાકને સાફ કરી રહ્યો છે. સરહદી વિસ્તારમાંથી આવેલા તીડના ઝૂંડ ચારે દિશામાં ફેલાઇ વાવ, સુઇગામ, થરાદ, દિયોદર અને ભાભર તાલુકાના ગામોને નિશાન બનાવ્યા છે. ખેતરમાં ખેડૂતો જે વાસણ મળે તે વગાડી તેમજ ખેતરમાં ધુમાડો કરી તીડ ભગાડી રહ્યા છે. તીડ પણ એક બાજુથીબીજી બાજુ જતા રહેતા હોઇ ખેડૂતો થાકી ગયા પણ તીડ થાકતા નથી અને જે ખેતરમાં પડે તેનો નાશ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છ દિવસ પહેલા આવેલા તીડ રણમાંથી સુઇગામ પાટણ જિલ્લાની હદમાં થઈને ફરીથી વાવ તેમજ વાવ તાલુકાના તમામ ગામોમાં આતંક મચાવી રહ્યા છે. ખેડૂતો પોતાના ખેતરોમાં તીડો ઉડાડી રહ્યા છે. અલગ અલગ ભાગોમાં ફેલાઈ ગયેલું તીડનું એક ટોળુ ભાભર તાલુકાના ચાતરા, ચલાદર, ઢેકવાડી, બેડા, તનવાડ, ભાભર, ખારા, ગાગુણ અને વડપગ ગામોમાં ત્રાટકી રવી પાકને મોટુ નુકશાન કર્યું હતું. ખેડૂતોએ તેને ભગાડવા તગારા અને વાસણ ખખડાવતા ભગાડયા હતા. ભાભરમાં હાઇવે ઉપર તીડ પસાર થતા વેપારીઓ મોટી સંખ્યામાં તીડ જોવા ઉમટ્યા હતા.
રણમાંથી પરત ફરેલા તીડનું એક ઝુંડ દિયોદરના તાલુકાના અનેક ગામોમાં તીડના ટોળા દેખાવો દેતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. જેમાં લુદ્રા, ભેંસાણા, વડીયા, મોજરું, જાડા, સેસણ, વાતમ, ચગવાડા, વડાણા, જાલોઢા, પાલડી, ધાડવ ગામોમાં તીડનું ટોળું ઘસી આવ્યું હતું. બપોર બાદ તીડ લાખણી તરફ વળ્યા હતા. એક ઝુંડ થરાદના ડોડગામ, નાગલા, દેથળી અને નાનીપાવડ સહિત ગામોમાં જોવા મળતા ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા. ખેડૂતોએ ખેતરોમાં ધુમાડો કરી થાળીઓ વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
દિયોદરના મકડાલા વિસ્તારથી લાખણી તરફ આવેલા તીડના ટોળા લવાણા, ચાળવા અને અસવારીયા ગામમાં ગુરુવારે બપોરે સાંજે જોવા મળ્યા હતાં. જ્યારે કાંકરેજ તાલુકાના એકમાત્ર ગામ તેરવાડા ગામમાં તીડએ દેખાદેતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ગુરુવારે સાંડે તીડનું આક્રમણ જોવા મળ્યું હતું. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ખેડુતો દ્વારા પોતપોતાના ખેતરમાં જઇ ઘર કામના વાસણો વગાડીને ભગાડવાની કોશિષ કરી હતી.
આગળનો લેખ