જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વાહન અથડાવાની બાબતે બોલાચાલી બાદ પોલીસ કોન્સ્ટેબલે રીવાબાના વાળ ખેંચીને માર માર્યો હોવા અંગે રીવાબાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ મોડીરાત્રે પોલીસ કો. સંજયની ધરપકડ કરાઈ છે. ફરિયાદ બાદ રીવાબા વહેલી સવારે રાજકોટ માતા-પિતાના ઘરે આવી ગયા હતા. ત્યારે રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, હું દિલ્હી છું મીડિયા દ્વારા મને પણ ખબર પડી. જો કે, પોલીસ અને પ્રશાસનની કામગીરીથી સંતુષ્ટ છું.
પોલીસ કર્મી પર કડક પગલા લેવાની ખાત્રી પણ આપી. તેને નોકરીમાંથી રીમુવ કરવાની વાત કરી છે. જામનગર અમારા માટે સેફ નથી લાગતું. વગર વાંકે આવું થાય તે સારું ન કહેવાય. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તો એક દુર્ઘટના કહેવાય, આ કંઇ પૂર્વ આયોજીત હોતું નથી. સરકારે તાત્કાલિક એક્શન લઇ મદદ કરી રહી છે. આ ઘટના કંઇ સારી ન કહેવાય, પોલીસે પણ સારી એવી મદદ કરી અને ડોક્ટર પણ બોલાવી દીધા હતા.